ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ છે. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ છે અને પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે. ત્યારે સત્ર શરૂ થાય તે પહેલા શાસક પક્ષ ભાજપ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
તો આ તરફ કોંગ્રેસના ધારાસભ્યો સત્ર શરૂ થાય તે પહેલા જ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પણ બેસી ગયા છે. જેમાં ધારાસભ્ય અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી, કિરીટ પટેલ, તુષાર ચૌધરી, વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલા જોડાયા છે. ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે. જેમાં બેનરો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા છે.
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પાકના નુકસાન અને દુષ્કાળના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સહિતના ધારાસભ્યો ઘાસના પૂડા તેમજ ખેતરમાં સુકાયેલા અને સડેલા પાક સાથે વિધાનસભા તરફ જવા નીકળ્યા હતા. જોકે, પોલીસે તેમને વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા હતા. વિધાનસભાના પગથિયાં પર દુષ્કાળની માગ સાથે વિરોધ કરવા જતા AAP નેતાઓને પણ પોલીસે રોક્યા હતા.
આજે 9 સપ્ટેમ્બરે સત્રના પ્રશ્નોત્તરી દરમિયાન વિવિધ વિભાગોને લગતા ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ સરકાર તરફથી આપવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જેમાં પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય યોગેશ પટેલ, મોહનસિંહ રાઠવા સહિત પાંચ દિવંગત સભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. શોક પ્રસ્તાવ બાદ ગૃહની કામગીરી મુલતવી રાખવામાં આવશે. ગુજરાતમાં હવે કોઇપણ દુકાન, મોલ, રેસ્ટોરન્ટ-હોટલ-કાફે કે અન્ય દુકાનો, ગેરેજ, શોરૂમ સહિતના વ્યાવસાયિક એકમ 24 કલાક ચાલું રાખી શકાશે. પોલીસ કે અન્ય સ્થાનિક ઓથોરિટી આવીને તેને કોઈ રીતે બંધ કરાવી શકશે નહીં. અલબત્ત આ એકમોએ પોતાની આસપાસ સ્વચ્છતા, ટ્રાફિક અને સલામતી સંદર્ભે ચોકસાઇ રાખવાની રહેશે. સરકાર ચોમાસું સત્રમાં વિધેયક લાવીને ગુમાસ્તા ધારા વિષયક કાયદામાં સુધારો કરવા જઈ રહી છે.






