ભાવનગર એસ.ટી. વિભાગના નિયામક – ડીસી તેમના સરકારી નિવાસે રૂ.૫૦હજારની લાંચ લેતા એ સી.બી.ના છટકામાં આબાદ ઝડપાતા ચકચાર મચી છે. આજે સવારથી આ મામલો એસટીના કર્મચારી અને અધિકારીગણમાં ભારે ચર્ચાએ ચડ્યો હતો. ખાનગી બસ ચાલવા દેવા તેમણે લાંચની માંગણી કરી હતી અને સ્વીકારવા જતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
આ બનાવમાં ઉપલબ્ધ વિગતો અનુસાર રાજ ટ્રાવેલ્સના નામથી ભાવનગરથી મહુવા રૂટ ઉપર પેસેન્જરમાં બસ ચાલતી હોય, તેમજ પાલીતાણા રૂટ ઉપર પણ અન્ય પ્રાઇવેટ મીની ટ્રાવેલ્સ ચાલતી હોય અને જે વાહનોના સંચાલકોને ખાનગી બસો આ રૂટો ઉપર ચલાવવી હોય અને એસ.ટી. વિભાગ તરફથી કોઇ કનડગત ન થાય કે એસ.ટી. વિભાગ દ્વારા વાહન ચેકીંગ ન થાય અને બસો રોકાય નહિ તે માટે પ્રાઇવેટ ટ્રાવેલ્સના સંચાલકો પાસેથી દર મહીને રૂા.૫૦ હજાર લાંચની માંગણી કરતા જે આ કામના ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય, જેથી ભાવનગર એ.સી.બી. પો.સ્ટે.મા ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકુ ગોઠવતા આક્ષેપિતે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી લાંચના નાણાં રૂા.૫૦ હજાર સ્વીકારી રંગે હાથ પકડાઇ ગયા હતા.
વધુમાં જાણવા મળ્યા મુજબ વિભાગીય નિયામકે લાંચની રકમ લેવા પોતાના સરકારી નિવાસ સ્થાન – બંગલે બોલાવ્યા હતા. રાત્રે પોતે બર્મુડામાં સજ્જ હતા. ફરિયાદીએ ચલણી નોટોનું બંડલ આપતા તેમણે લઈને બર્મુડાના ખીચામાં મૂકતા જ એસીબીના અધિકારીઓ પ્રગટ થયા હતા. એ સમયના વિભાગીય નિયામકના ફોટા પણ વાયરલ થયા છે જેણે ચકચાર મચાવી છે!
આ પ્રકરણમાં એમ.ડી.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર,એ.સી.બી. પો.સ્ટે. ભાવનગરે પી.આર.રાઠોડ.મદદનિશ નિયામક, એ.સી.બી. ભાવનગર એકમ, ભાવનગરના સુપરવિઝન તળે સફળ ટ્રેપ કરી હતી. આ કામગીરીમાં ભાવનગર એસીબી ટીમના માલાભાઈ બી.ભરવાડ, ડી.કે.બારૈયા, અરવિંદભાઈ વકાણી, કમલેશ વાઘેલા, મહિપતસિંહ ગોહિલ અને બોટાદ એસીબી ના ભગીરથસિંહ ગોહિલ, અરવિંદસિંહ ભરાડીયા સહિતના જાેડાયા હતા.