BRICS સમિટ આજે શનિવારથી નવી દિલ્હીમાં શરૂ થવા જઈ રહી છે. ભારતમાં યોજાનાર BRICS સમિટમાં 10 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે જોવા મળશે. આ ત્રણેય નેતાઓ આ પહેલા 2016માં ગોવામાં યોજાયેલા BRICS સમિટમાં એકસાથે સામેલ થયા હતા.
સમિટમાં BRICSના 11 સભ્ય દેશો ઉપરાંત 10 ભાગીદાર દેશોના નેતાઓ પણ સામેલ થશે. BRICSની તાકાતને માત્ર સભ્ય દેશોની સંખ્યાથી જ નહીં, પરંતુ તેમની વસ્તી અને અર્થતંત્રથી પણ સમજી શકાય છે. 11 સભ્ય દેશોમાં દુનિયાની લગભગ 49.5% વસ્તી રહે છે. એટલે કે દુનિયાના લગભગ દર બેમાંથી એક વ્યક્તિ BRICS દેશોમાં રહે છે. અર્થતંત્રની વાત કરીએ તો PPP એટલે કે ખરીદ શક્તિના આધારે BRICS દેશોનું કુલ અર્થતંત્ર દુનિયાનું લગભગ 39% છે. આ અમેરિકાના અર્થતંત્રની સરખામણીમાં લગભગ 3 ગણું છે.
પશ્ચિમી દેશો માટે ઓનલાઈન પેમેન્ટ પર ભાર મુકાશે
BRICS દેશો હવે એકબીજા સાથે વેપાર કરતી વખતે ડોલરનો ઉપયોગ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેઓ એકબીજાની પોતાની કરન્સીમાં લેણદેણ વધારવા માંગે છે.આ સાથે અલગ-અલગ દેશોના ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમને એકબીજા સાથે જોડવા પર પણ કામ ચાલી રહ્યું છે. જોકે, હાલમાં BRICS પાસે પોતાની કોઈ એક પેમેન્ટ સિસ્ટમ કે એક સામાન્ય કરન્સી નથી.
આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાનારી BRICS સમિટમાં પણ પોતાની કરન્સીમાં વેપાર અને સરળ ઓનલાઈન પેમેન્ટ પર ભાર મૂકવામાં આવશે. ભારત ઈચ્છે છે કે BRICS દેશોની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને તેમની ડિજિટલ કરન્સીને એકબીજા સાથે જોડવામાં આવે.આનાથી એક દેશમાંથી બીજા દેશમાં પૈસા મોકલવા સરળ બની શકે છે અને દર વખતે ડોલરની જરૂરિયાત ઓછી થઈ શકે છે.
બ્રિક્સ સમિટમાં વડાપ્રધાનની વન ટુ વન બેઠક, અને કાર્યક્રમ
આજે ભારતમાં BRICS દેશોના 18મા શિખર સંમેલનનું આયોજન થવા જઇ રહ્યું છે. પુતિન અને ઇરાનના પ્રમુખ પહેલાથી જ ભારતમાં આવી ચૂક્યા છે ત્યારે આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભારત આવી પહોંચશે. વડાપ્રધાન મોદી BRICS દેશોના જુદા જુદા પ્રમુખ સાથે બેઠક કરીને અનેક મહત્ત્વના કરારો કરી દુનિયાને મોટો સંદેશ આપવા જઇ રહ્યા છે. વડાપ્રધાન મોદી બપોર સુધીમાં વિવિધ નેતાઓ સાથે બેઠક કરશે જેમાં ઇથિયોપિયાના વડાપ્રધાન અબિય અહમદ અલી, મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન તેમજ વિયેતનામના નેતા લે મિન્હ હંગ સાથે બેઠક યોજાશે. આ જ સમયે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ઇરાની સમકક્ષ મસૂદ પેઝેશ્કિયાન સાથે બેઠક યોજાશે.
બપોરે 2:00 વાગ્યે BRICS શિખર સંમેલનના મુખ્ય કાર્યક્રમ અંતર્ગત BRICS સભ્ય દેશોના નેતાઓનું ભારત મંડપમના લેવલ 2 પર આગમન થશે. બપોરે 2:35 વાગ્યે સમિટ હોલમાં “Inclusive Global Governance and Strengthening Multilateralism” વિષય પર ક્લૉઝ સેશન યોજાશે.સાંજે 4:25 વાગ્યે : નેતાઓ ભારત મંડપમના હોલ 14 માં ‘Bharat Innovates Exhibition’ નું અવલોકન કરશે. સાંજે 5:05 વાગ્યે ભારત મંડપમની બહારના લોનમાં ફેમિલી ફોટો થશે અને 5:10 વાગ્યે સંયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.અને સાંજે 5:45 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક ભારત મંડપમમાં થશે તેમજ રાત્રે 7:30 વાગ્યે વડાપ્રધાનની યજમાનીમાં ભારત મંડપમના લેવલ 3 પર ગાલા ડિનરનું આયોજન કરવામાં આવશે.






