દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓમાની કો-પાયલટે કથિત રીતે આ વિમાનને હાઇજેક કરીને ઈઝરાયલના તેલ અવીવ શહેરમાં કોઈ મોટી ઇમારત સાથે અથડાવીને ક્રેશ કરવાનું મોટું કાવતરું રચ્યું હતું. જોકે, ભારતીય પાયલટ સ્મિત મચ્છરે સમયસૂચકતા દાખવીને આ ખતરનાક કોશિશને નિષ્ફળ બનાવી દીધી હતી.
ઈટાલિયન મીડિયા રિપોર્ટ અનુસાર, 30 સપ્ટેમ્બરના રોજ ઉડાન શરૂ થતાની સાથે જ કો-પાયલટે અફરા-તફરી મચાવી દીધી હતી. કો-પાયલટની ઓળખ 29 વર્ષીય હમ્મામ અલ-હમ્મામી તરીકે થઈ છે, જેના પિતા ઓમાની અને માતા સીરિયન છે. શરૂઆતમાં તેના વ્યવહારમાં કંઈપણ શંકાસ્પદ જણાયું ન હતું, પરંતુ ફ્લાઇટ હવામાં પહોંચ્યા બાદ તેનો અસલી ઈરાદો બહાર આવ્યો હતો. અલ-હમ્મામીએ અચાનક કોકપિટની અંદર ઇમરજન્સી કુહાડીથી કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતીય પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલો કર્યા બાદ તેણે પ્લેનનું કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધું અને વિમાનને ઝડપથી નીચે તરફ વાળી દીધું હતું. આ દરમિયાન વિમાન માત્ર 30 સેકન્ડમાં આશરે 16,000 ફૂટ નીચે ગયું હતું.
ઈઝરાયલી ગુપ્તચર એજન્સીના અહેવાલો મુજબ, આતંકવાદી માનસિકતા ધરાવતા અલ-હમ્મામીની યોજના વિમાનને તેલ અવીવ લઈ જઈને ત્યાંની કોઈ ઊંચી ઇમારત સાથે અથડાવવાની હતી. તેની આ યોજના એટલી ઝડપી હતી કે અધિકારીઓ કે લડાકુ વિમાનોને કોઈ વાતચીત કરવાનો કે પ્રતિક્રિયા આપવાનો સમય ન મળે. ફ્લાઇટમાં તે સમયે 174 મુસાફરો અને ક્રૂના 6 સભ્યો સવાર હતા.દરમિયાન ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિત મચ્છરે હિંમત હારી નહીં. તેઓ કોકપિટમાંથી બહાર આવીને અન્ય ક્રૂ મેમ્બર્સ અને કેટલાક મુસાફરોની મદદ લેવામાં સફળ રહ્યા. આ બધાએ મળીને સહ-પાયલટ અલ-હમ્મામી પર કાબૂ મેળવ્યો અને નીચે તરફ પછડાતા વિમાનને સમયસર સ્થિર કર્યું હતું.






