રશિયાના કાળા સમુદ્ર (બ્લેક સી) કિનારે એક અજાણ્યા અનમેન્ડ વેસલ (ડ્રોન) દ્વારા કરાયેલા ભયાનક હુમલાને કારણે લાઈબેરિયાના ધ્વજ હેઠળ જઈ રહેલા ઓઇલ ટેંકર ‘એફ્રામેક્સ રિયો’ માં આગનો મોટો ભડકો થયો હતો. મંગળવારે બનેલી આ ઘટનામાં સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં દરિયામાં સળગી રહેલા જહાજમાંથી આકાશ તરફ ધુમાડાના ઘાટા ગોટા ઉડતા જોવા મળ્યા હતા.
બનાવને પગલે રશિયન કોસ્ટગાર્ડ અને ઈમરજન્સી ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે મોટું રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. રશિયાના ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ટેલિગ્રામ પર સત્તાવાર નિવેદન આપીને પુષ્ટિ કરી છે કે, ટેંકર પર સવાર તમામ ૨૩ સભ્યો ભારતીય નાગરિકો હતા અને સદનસીબે આ ભયાનક આગની દુર્ઘટનામાં કોઈ પણ ભારતીયને ઈજા પહોંચી નથી. કલાકોની ભારે જહેમત બાદ ફાયરફાઈટર્સની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે રશિયાના દક્ષિણી ક્રાસ્નોદાર ક્ષેત્રમાં સ્થિત સિરિયસના સ્થાનિક તંત્રે આજુબાજુના દરિયા કિનારા (બીચ) સામાન્ય લોકો માટે તાત્કાલિક અસરથી બંધ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, કાળા સમુદ્ર ક્ષેત્રમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અને ડ્રોન હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય જહાજો પરનું જોખમ સતત વધી રહ્યું છે. આ અગાઉ પણ બ્લેક સીમાં એક રશિયન ડ્રોન હુમલામાં ‘એમવી રોયાદ મમાદોવ’ નામક કાર્ગો શિપને નિશાન બનાવાયું હતું, જેમાં સવાર ૩ ભારતીયો પૈકી ભારતીય કેપ્ટનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્યોને રોમાનિયા સ્થિત ભારતીય દૂતાવાસના તકેદારીના પગલાંથી ઉગારી લેવાયા હતા. વર્તમાન કટોકટીભરી સ્થિતિ વચ્ચે તમામ ભારતીય ખલાસીઓનો સુરક્ષિત બચાવ થવાથી મોટી રાહત અનુભવાઈ રહી છે.






