નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં સાયલન્ટ ઝોન અને રહેણાંક વિસ્તારોમાં ડીજેના કારણે થતા બેફામ ઘોંઘાટ અને નીતિ-નિયમોના ભંગ અંગે ગુજરાત હાઇકોર્ટે ભારે નારાજગી વ્યકત્ત કરી છે. હાઈકોર્ટે આ બાબતને અત્યંત ગંભીરતાથી લેતા રાજ્ય સરકારને ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે તાત્કાલિક ધોરણે સરપ્રાઇઝ ચેકિંગ કરવા અને કાયદાકીય માર્ગદર્શિકાઓનું કડક પાલન કરાવવા તાકીદ કરી છે.
ગીર સોમનાથ જિલ્લાના બે નાગરિકોએ વેરાવળના નિર્ધારિત સાયલન્ટ ઝોનમાં યોજાયેલા ગરબા મહોત્સવ સામે જાહેર હિતની અરજી કરી છે. અરજદારોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગરબા આયોજનના વિરોધમાં નથી, પરંતુ સાયલન્ટ ઝોનમાં ધ્વનિ પ્રદૂષણના નિયમોના કથિત ભંગ સામે વાંધો ધરાવે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોર્ટને જણાવ્યું હતું કે સ્થળ તપાસ બાદ આયોજકોને બે દિવસમાં નિયમોનું પાલન કરવા નોટિસ આપવામાં આવી છે. અરજદાર પક્ષ દ્વારા હાઇકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હોસ્પિટલો અને શાળાઓ જેવા સંવેદનશીલ વિસ્તારો ‘સાયલન્ટ ઝોન’ હેઠળ આવે છે. આમ છતાં, નવરાત્રિના તહેવાર દરમિયાન આ સ્થળો નજીક પણ મોડી રાત સુધી મોટેથી ડી.જે. વગાડીને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. અતિશય અવાજ પ્રદૂષણ અને પબ્લિક ન્યૂસન્સના કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળના બીમાર દર્દીઓ, સિનિયર સિટીઝન્સ, ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોને ભારે હાલાકી અને અસલ પીડા ભોગવવી પડી રહી છે.






