અમેરિકા અને ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાને મેહરદાદ અખલાધી કેતાબચીને નવા સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. રવિવારે ઈરાની સંસદમાં તેમની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. ઑનલાઇન મતદાનમાં ૨૩૭ સાંસદોએ તેમના સમર્થનમાં મત આપ્યો હતો, જ્યારે ૧૫ સાંસદોએ વિરોધમાં મત આપ્યો હતો.
યુદ્ધ શરૂ થયા બાદ ઈરાની સંસદની બેઠકો ઑનલાઇન યોજાઈ રહી છે. અહેવાલો અનુસાર, ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓથી શરૂ થયેલા સંઘર્ષ વચ્ચે ઈરાનના સંરક્ષણ તંત્રમાં આ નિમણૂક મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઈરાનના અગાઉના સંરક્ષણ મંત્રી અઝીઝ નાસીરઝાદેહ યુદ્ધના પ્રથમ દિવસે માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ સહિત અન્ય અધિકારીઓનાં પણ મોત થયાં હતાં. ત્યારબાદ મજીદ ઇબ્ન-એ-રેઝાને વચગાળાના સંરક્ષણ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે કેતાબચીની નિમણૂક બાદ ઇબ્ન-એ-રેઝા ઉપસંરક્ષણ મંત્રી તરીકે કામગીરી સંભાળશે.
૬૮ વર્ષીય કેતાબચીને સંરક્ષણ મંત્રાલય અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓમાં ૪૨ વર્ષથી વધુ સમય કામ કરવાનો અનુભવ હોવાનું જણાવાય છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, તેમને મિસાઇલ, એરોસ્પેસ અને શસ્ત્રોના ઉત્પાદન ક્ષેત્રે પણ લાંબો અનુભવ છે. જોકે, અહેવાલો મુજબ કેતાબચી પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગુ છે અને તેઓ અમેરિકાની પ્રતિબંધિત વ્યક્તિઓની યાદીમાં પણ સામેલ છે. અમેરિકાએ ભારે વજનના બોમ્બથી હુમલા કરવાની ધમકી આપી હોવાના અહેવાલો વચ્ચે તેમણે ઈરાન આવા હુમલાઓનો સામનો કરવા તૈયાર હોવાનો દાવો કર્યો છે.






