કોકરોચ જનતા પાર્ટીના આશુતોષ રાન્કા અને સૌરવ દાસ બન્નેની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે. જેને પગલે પાંચ દિવસ સુધી તિહાર જેલમાં રહેનારા આ બન્નેએ વધુ બે દિવસ આ જ જેલમાં વિતાવવા પડશે. જ્યારે વિદ્યાર્થી નેતા નેહા બોરાએ બોન્ડ માટેની નોટિસ સામે હાઇકોર્ટમાં અરજી કરી છે.
૧૪મી ઓક્ટોબરના દિલ્હીના જંતર મંતરમાં ઘૂસીને તિરંગો લહેરાવવાની ઘટના બાદ કોકરોચ જનતા પાર્ટીના આશુતોષ રાન્કા અને સૌરવ દાસ બન્નેની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં બન્ને સામે પ્રતિબંધ છતા જંતર મંતરમાં પ્રવેશવા બદલ ફરિયાદ દાખલ કરાઇ હતી અને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. સોમવારે બન્નેને તિહાર જેલથી મંદીર માર્ગ પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાયા હતા.
બીજી તરફ સીજેપીના કાયદા બાબતોના હેડ રત્ના સિંઘે કહ્યું હતું કે હાલ જે કઇ જોવા મળી રહ્યું છે કે સર્કસ જેવું છે. ઇરાદાપૂર્વક સૌરવ અને આશુતોષને છોડવામાં નથી આવી રહ્યા. મને લાગી રહ્યું છે કે એસડીએમ કોર્ટોને વિખેરી નાખવી જોઇએ કેમ કે તેઓ બાંધછોડ કરી રહ્યા છે. હાલમાં પ્રદર્શન કરનારાઓને દબાવવા માટે પુરી સિસ્ટમનો ઉપયોગ થઇ રહ્યો છે. દરમિયાન ડાબેરી વિદ્યાર્થી સંગઠન એઆઇએસએના પ્રમુખ નેહા બોરાએ પર્સનલ બોન્ડ સાઇન કરવા માટે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા મળેલી નોટિસને દિલ્હી હાઇકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટ હાલમાં દશેરાની રજાને કારણે બંધ છે અને ૨૬મી ઓક્ટોબરના ખુલશે.





