વિશ્વમાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા અને પર્યાવરણના પડકારો વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ભારતીય પરંપરા, સંસ્કારો અને સામાજિક એકતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બદલાતા સમય સાથે આપણે પણ બદલાવું જોઈએ, પરંતુ પરિવર્તનની સાથે આપણા મૂળભૂત મૂલ્યો અને સંસ્કારોને જાળવી રાખવા જરૂરી છે.તેમ આજે સંઘના સ્થાપ્ના દિવસ અને વિજયાદશમી નિમિતે નાગપુર સ્થિત સંઘના મુખ્ય કાર્યાલયે શસ્ત્ર પૂજન બાદ મોહન ભાગવતે પોતાનું સંબોધન કર્યું હતું.
મોહન ભાગવતે કહ્યું કે અગાઉ વ્યક્તિને આચરણ અને જીવનમૂલ્યોની શીખ પડોશીઓ, પુસ્તકો અને સમાજમાંથી મળતી હતી, પરંતુ ધીમે ધીમે આ પરંપરા નબળી પડી રહી છે. વિવેક વિના યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ભેદ સમજવો મુશ્કેલ બને છે, જેના કારણે ખોટા આચરણનાં પરિણામો ભોગવવાં પડી શકે છે.
દારૂબંધીના પ્રચાર માટે અધિકારીઓ ગામમાં ગયા ત્યારે તેમણે દારૂના ગ્લાસમાં કીડા નાખીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એક દારૂડિયાએ એવો જવાબ આપ્યો કે આ રીતે તો પેટના કીડા પણ મરી જશે. આ ઉદાહરણ દ્વારા ભાગવતે સમજાવ્યું કે માત્ર ઉપદેશ આપવાથી પૂરતું નથી, પરંતુ લોકોમાં યોગ્ય સમજણ અને વિવેક વિકસાવવો પણ જરૂરી છે. નશીલા પદાર્થોના દુષ્પરિણામો જાણતા હોવા છતાં લોકો તેનું સેવન કરે છે, જે ચિંતાજનક બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વને વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું તથા વિવિધતાઓ ધરાવતા સમાજો વચ્ચે સુમેળ કેવી રીતે સ્થાપવો તે અંગે પડકારો છે. ભારતની પરંપરા સમગ્ર વિશ્વને પરિવાર માનવાની રહી છે અને આ દૃષ્ટિકોણ વિશ્વને માર્ગદર્શન આપી શકે છે.
ભાગવતે વિવિધતાઓનું સન્માન કરવા, સૌની પ્રતિષ્ઠાની ચિંતા કરવા અને સંયમ તથા ત્યાગપૂર્ણ જીવન જીવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે એકતાનો અભાવ આપણને નબળા બનાવે છે. દેશની સ્વતંત્રતા માટે મહાપુરુષોએ તપસ્યા અને બલિદાન આપ્યાં હતાં. આજે રાષ્ટ્રના વિકાસ અને સમાજની મજબૂતી માટે તેનાથી પણ વધુ સમર્પણની જરૂર છે.






