છત્તીસગઢના મનેન્દ્રગઢ-કેલ્હારી માર્ગ પર પહાડહંસવાહી નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મુસાફરોથી ભરેલી એક પેસેન્જર બસ અચાનક કાબૂ ગુમાવી દેતાં રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં 6 મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 15 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ અફરાતફરી અને મુસાફરોની ચીસાચીસ મચી ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ સાથે જ પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહતકર્મીઓએ એમ્બ્યુલન્સ મારફતે તમામ 15 ઘાયલ મુસાફરોને સારવાર માટે મનેન્દ્રગઢની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ તરત જ બસ ડ્રાઇવર સહિત 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, પરંતુ બાદમાં મૃત્યુઆંક વધીને 6 પર પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શશિશેખર મિશ્રા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની સ્થિતિની સમીક્ષા કરી તબીબોને શ્રેષ્ઠ વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા હતા. આ સાથે પોલીસ અધિક્ષ રત્ના સિંહ પણ કેલ્હારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવીને રાહત કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.





