સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશ ગોપાલા ગૌડાએ ચૂંટણી પંચની એસઆરઆઈની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે તેમની કામગીરીથી લોકશાહી સામે ખતરો સર્જાયો છે. એસઆરઆઈનો ઉપયોગ મતદારોને લિસ્ટમાંથી હટાવવા માટે ન થવો જોઈએ. તેમણે સુપ્રીમ કોર્ટને ભલામણ કરી હતી કે આ મામલે ખૂબ જ ઝીણવટથી તપાસ કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશ ગોપાલા ગૌડાએ કહ્યું હતું કે એક પાર્ટીને મદદ કરવા માટે ૧૩ કરોડ મતદારોના નામ કાઢી નાખવાનું પગલું ગેરબંધારણીય છે. ચૂંટણી પંચે આવું પગલું ભરીને દેશની સંપ્રભુતાને હાઈજેક કરી લીધી છે. એસઆરઆઈનો ઉપયોગ દેશના મતદારોને લિસ્ટમાંથી હટાવી દેવા માટે ન થવો જોઈએ. આ મતદારો પર બહુ મોટો ત્રાસ કહેવાય.
તેમણે સુપ્રીમ કોર્ટને ભલામણ કરી કે એસઆરઆઈના દરેક પાસાઓને ઝીણવટથી અભ્યાસ કરીને તપાસ કરવી જોઈએ. પૂર્વ ન્યાયધીશે બંધારણને ટાંકીને કહ્યું હતું કે દેશમાં નાગરિકો સુપ્રીમ છે. સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ સુપ્રીમ પાવર નથી. દરેક વયસ્ક નાગરિકનો મત આપવો એ બંધારણીય અધિકાર છે, એમાં બાંધછોડ થાય તે બિલકુલ અયોગ્ય છે. ચૂંટણી પંચના ફોર્મનો ઉપયોગ રાજકીય પાર્ટીઓના હિત માટે થવો ન જોઈએ. તેમણે છેલ્લે કહ્યું હતું કે મને ભરોસો છે, તમામ પક્ષો આ મુદ્દે સમજદારી બતાવશે.ઉલ્લેખનીય છે કે એસઆરઆઈના કેસમાં ૯મી ડિસેમ્બરે આગળની સુનાવણી થશે. મુખ્ય ચૂંટણી કમિશનર સહિત બે ચૂંટણી કમિશનરોનું સંયુક્ત સોગંધનામું રજૂ કરવાનો આદેશ કર્યા બાદ આ સુનાવણી આગળ વધશે.





