ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જએ વૈશ્વિક સ્તરે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સપ્ટેમ્બર મહિનામાં શેરબજારમાં લિસ્ટિંગ થયા બાદ શેરના ભાવમાં સતત તેજીને પગલે NSE માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું પાંચમું સૌથી મોટું લિસ્ટેડ એક્સચેન્જ બની ગયું છે. આ યાદીમાં તેણે હોંગકોંગ એક્સચેન્જ અને અમેરિકાના Nasdaq ને પણ પાછળ છોડી દીધા છે.
તાજેતરના માર્કેટ ડેટા મુજબ, NSE નું માર્કેટ કેપિટલાઇઝેશન અંદાજે 59.7 અબજ ડોલર પર પહોંચી ગયું છે. આ સાથે તે 58.1 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતા HKEX અને 57.7 અબજ ડોલરના મૂલ્ય ધરાવતા Nasdaq કરતાં આગળ નીકળી ગયું છે. વૈશ્વિક રેન્કિંગમાં 111.05 અબજ ડોલર સાથે CME ગ્રુપ પ્રથમ સ્થાને છે. ત્યારબાદ 95.5 અબજ ડોલર સાથે ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ બીજા, 65 અબજ ડોલર સાથે ડોઇશ બોર્સ ત્રીજા અને 60.3 અબજ ડોલર સાથે લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રુપ ચોથા ક્રમે છે.
અત્યાર સુધીમાં NSE નો શેર રૂ.47.80 એટલે કે 2.18 ટકાના ઉછાળા સાથેરૂ.2,236.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ ભાવે એક્સચેન્જનું માર્કેટ કેપ 5.56 લાખ કરોડ થયું છે, જેનાથી તે ભારતની નવમી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે. NSE એ ₹5 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી કોટક મહિન્દ્રા બેંક તેમજ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને પણ પાછળ છોડી દીધા છે. આ સાથે NSE દેશની બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ અને ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ લિસ્ટેડ કંપનીઓની હરોળમાં સામેલ થઈ ગયું છે.
આ સિદ્ધિ NSE ના શેરબજારમાં પ્રવેશના બે મહિના કરતાં પણ ઓછા સમયમાં મળી છે. 24 સપ્ટેમ્બરે BSE પર NSE નું બહુપ્રતિક્ષિત લિસ્ટિંગ થયું હતું. રૂ.1,785 ના ઇશ્યૂ પ્રાઇસ સામે શેર 0.84 ટકાના પ્રીમિયમ સાથે 1,800 પર લિસ્ટ થયો હતો અને સત્ર દરમિયાન વધીને 1,876.70 સુધી પહોંચ્યો હતો. અગાઉ 17 થી 21 સપ્ટેમ્બર દરમિયાન ખુલેલો22,561 કરોડનો આ IPO કુલ 5.69 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હતો.




