અમેરિકાની ડેલ્ટા એરલાઈન્સની ટેકનિકલ ખામીને કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એરલાઈન્સની એક કોમ્પ્યુટર સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ હતી. તેના કારણે અમેરિકાના અનેક મોટા એરપોર્ટ પર કુલ 3,500 ફ્લાઇટ મોડી પડી હતી. આ સમસ્યાને કારણે વિમાનોને ઉડાન ભરતા પહેલાં જરૂરી ગણતરીઓ હાથેથી કરવી પડી હતી. આ ખામી એરલાઈન્સની એવી સિસ્ટમમાં આવી હતી, જે વિમાનનું વજન અને સંતુલન નક્કી કરે છે. આ સિસ્ટમ દ્વારા વિમાનમાં મુસાફરો, સામાન, ઈંધણ અને અન્ય માલસામાનનું કુલ વજન કેટલું છે તેની જાણ થાય છે. તેમજ વિમાનમાં વજન યોગ્ય રીતે વહેંચાયેલું છે કે નહીં તે પણ તપાસવામાં આવે છે.
આ ટેકનિકલ ખામીની અસર અમેરિકાના અનેક મોટા એરપોર્ટ પર પડી હતી. જેમાં એટલાન્ટાનું હાર્ટ્સફિલ્ડ-જૅક્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ન્યૂયોર્કનું લાગાર્ડિયા એરપોર્ટ સામેલ છે. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ એટલાન્ટા આવતી ફ્લાઇટ્સને લગભગ એક કલાક સુધી રોકી હતી. આ સમય દરમિયાન વિમાનોને ઉડાન ભરવાની કે એટલાન્ટા પહોંચવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બાદમાં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો, પરંતુ ફ્લાઇટ્સમાં વિલંબ યથાવત રહ્યો હતો.
ડેલ્ટા એરલાઈન્સે જણાવ્યું હતું કે, કોમ્પ્યુટર સિસ્ટમ ઠીક થાય ત્યાં સુધી તેના કર્મચારીઓ હાથેથી વિમાનના વજન અને સંતુલનની ગણતરી કરી રહ્યા હતા. કંપનીના ટેકનિકલ કર્મચારીઓ સિસ્ટમને ફરી કાર્યરત કરવા માટે કામ કરી રહ્યા હતા. બાદમાં એરલાઈન્સે માહિતી આપી હતી કે સિસ્ટમ ફરીથી કામ કરવા લાગી છે. ડેલ્ટા એરલાઈન્સના જણાવ્યા અનુસાર, રવિવારે તેની અને ડેલ્ટા કનેક્શનની મળીને લગભગ 5,000 ફ્લાઇટ્સ નિર્ધારિત હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઈટ FlightAwareના આંકડા અનુસાર, ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની લગભગ 70 ટકા ઘટનાઓ આ ટેકનિકલ ખામી સાથે સંબંધિત હતી. બાકીની ફ્લાઇટ્સ પર ખરાબ હવામાન અને ન્યૂયોર્ક સહિત અમેરિકાના ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં હવાઈ ટ્રાફિક સંબંધિત સમસ્યાઓની અસર પડી હતી.






