ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને ચાલી રહેલો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. પાકિસ્તાનના મંત્રી મુસાદિક મસૂદ મલિક દિલ્હી પહોંચ્યા ત્યારે તેમને આ મહત્વના મુદ્દે સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં તેમણે એવું નિવેદન આપ્યું કે બંને દેશો વચ્ચે જળ સંધિ અંગે ફરી ચર્ચા શરૂ થવાની શક્યતાઓને લઈને ચર્ચા તેજ બની છે. આ ઉપરાંત તેમણે આતંકવાદ અને ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા અંગે પણ પોતાની વાત રજૂ કરી હતી.
દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જ્યારે મુસાદિક મલિકને સિંધુ જળ સંધિ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, ભારત તરફથી આ મુદ્દે ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવશે તો પાકિસ્તાન ચોક્કસપણે વાતચીત કરવા તૈયાર છે. જોકે, હાલ તેમને આ મુદ્દે ચર્ચા માટે આમંત્રણ મળ્યું નથી. તેમણે વધુમાં સૂચન કર્યું કે બંને દેશોએ શરૂઆતમાં જટિલ મુદ્દાઓ પર વાતચીત કરવી જોઈએ અને ત્યારબાદ સંવેદનશીલ તથા વિવાદિત વિષયો પર ચર્ચા આગળ વધારવી જોઈએ.
બીજી તરફ, પાકિસ્તાની મંત્રીની દિલ્હી મુલાકાત વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયે સિંધુ જળ સંધિ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંધિ અંગે ભારતની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. ઉલ્લેખનીય છે કે સિંધુ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી મહત્વનો મુદ્દો રહી છે. આ મુદ્દે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સમયાંતરે તણાવ પણ જોવા મળ્યો છે.
આતંકવાદ અંગે વાત કરતાં મુસાદિક મલિકે કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ માત્ર એકબીજા પર આરોપ લગાવવાથી નહીં આવે. તેના બદલે બંને દેશોએ પુરાવાના આધારે ચર્ચા કરવી જોઈએ. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન પણ આતંકવાદથી પ્રભાવિત થયું છે અને છેલ્લા 18થી 24 મહિનામાં દેશમાં આતંકવાદી ઘટનાઓને કારણે હજારો લોકોનાં મોત થયાં છે. તેમણે ભાર મૂક્યો કે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો હોય તો બંને પક્ષોએ પોતાના પુરાવા રજૂ કરવા જોઈએ.
———————-






