ભારત માટે વિદેશમાંથી ક્રૂડ ઓઈલની આયાત મોંઘી થઈ રહી છે. ઓક્ટોબરમાં ભારતનું ક્રૂડ ઓઈલ અને ગેસ આયાતનું બિલ ૬૦ ટકા વધીને ૧૬ અબજ ડોલરે પહોંચી ગયું હતું. પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ આવતા પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ (પીપીએસી)ના અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે ભારતના ક્રૂડ આયાત બિલમાં વધારો થયો હતો. ઓક્ટોબર ૨૦૨૫માં દેશનું નેટ ક્રૂડ આયાત બિલ ૧૦ અબજ ડોલર હતું. બીજીબાજુ ઓક્ટોબરમાં દેશમાં એલપીજીનો વપરાશ ઘટયો હતો.
પીપીએસીના રિપોર્ટ મુજબ ભારતે ઓક્ટોબરમાં સરેરાશ પ્રતિ બેરલ ૧૨૪.૭૭ ડોલરના ભાવથી બ્રેન્ટ ક્રૂડની આયાત કરી હતી, જે એક વર્ષ અગાઉ સમાન સમય કરતાં લગભગ બમણો ભાવ હતો. ઓક્ટોબર ૨૦૨૫માં ક્રૂડનો ભાવ ૬૪.૭૫ ડોલર હતો જ્યારે સપ્ટેમ્બર ૨૦૨૬માં ક્રૂડ ઓઈલનો સરેરાશ ભાવ ૧૧૬.૭૭ ડોલર હતો. ક્રૂડ ઓઈલમાં ભાવવધારાની સીધી અસર ભારતના ઈમ્પોર્ટ બિલ પર પડી છે. ઓક્ટોબર ૨૦૨૬માં ભારતીય બાસ્કેટના ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત પ્રતિ બેરલ ૧૧૯.૯૧ ડોલર હતી, જે એક વર્ષ પહેલાં ૬૫.૦૮ ડોલર હતી.ઓક્ટોબરમાં ભારતે ૨.૩૩ કરોડ ટન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી, જે ગયા વર્ષના સમાન સમય કરતાં ૧૧ ટકા વધુ છે, પરંતુ આ ખરીદી પરનો ખર્ચ ૧૦.૪ અબજ ડોલરથી વધીને ૧૯.૫ અબજ ડોલર થઈ ગયો હતો.ભારતે ઓક્ટોબરમાં એલએનજીની આયાત પર ૧.૩ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. બીજીબાજુ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસથી દેશને ૬.૩ અબજ ડોલરની આવક થઈ હતી.





