બાંગ્લાદેશમાં રાજકીય તણાવ વચ્ચે ફરી હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નરૈલ જિલ્લાના કાલિયા ઉપજિલ્લાના બેન્દારચર ગામમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ અને કાર્યકરો સાથે જોડાયેલાં મકાનો અને દુકાનો પર હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. શુક્રવાર, 20 નવેમ્બરે શરૂ થયેલી હિંસામાં અનેક મકાનોને આગ ચાંપવામાં આવી અને લૂંટફાટ તથા તોડફોડ પણ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બેન્દારચર ગામ ઉપરાંત બરદિયા બજાર વિસ્તારમાં આવેલી કેટલીક દુકાનોમાં પણ આગ લગાવવામાં આવી હતી. હુમલામાં અવામી લીગના પૂર્વ સાંસદ બી.એમ. કબીરુલ હક મુક્તિના પૈતૃક નિવાસસ્થાનને પણ નિશાન બનાવાયું હતું. આ ઉપરાંત કાલિયા નગરપાલિકાના પૂર્વ મેયર મુશફિકુર રહેમાન લિટન અને સ્થાનિક અવામી લીગના મહાસચિવ કૃષ્ણપદ ઘોષનાં મકાનો પર પણ હુમલા અને આગચંપીની ઘટના બની હોવાનું જણાવાયું છે. ફાયર સર્વિસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 20થી 30 જેટલાં મકાનોમાં આગ લાગી હતી. એક મકાનમાં અનેક રહેણાંક ઓરડાઓ હોવાથી નુકસાન પામેલી રહેણાંક ઇમારતોની સંખ્યા 50થી વધુ હોવાનો અંદાજ છે. જોકે, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે નુકસાનના આંકડા ઓછા દર્શાવ્યા છે.
કાલિયા ફાયર સર્વિસના સ્ટેશન ઓફિસર હુમાયુ કબીરના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે આશરે ચાર વાગ્યે આગ લાગવાની જાણકારી મળી હતી. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે જવા નીકળી ત્યારે રસ્તા પર વૃક્ષો કાપીને નાખવામાં આવ્યાં હતાં. આ કારણે ટીમને ગામ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. ફાયર સર્વિસની ટીમ રાત્રે આશરે આઠ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં મોટાભાગની આગ ઓલવાઈ ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગને કારણે અનેક પરિવારોનાં રહેણાંક મકાનોને નુકસાન થયું હતું.





