દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં નેપાળના વડાપ્રધાન બાલેન શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ છે. બંને નેતાઓ ભારત અને નેપાળના સંબંધોને મજબૂત બનાવવા અને પરસ્પર સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે.
નેપાળના વડાપ્રધાન બાલેન શાહની ભારત મુલાકાતના બીજા દિવસે દિલ્હીમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ બાલેન શાહને ભેટીને આવકાર્યા હતા. આ દરમિયાન રેડ કાર્પેટ પાથરવામાં આવી અને તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું.
સવારે નેપાળના PM બાલેન શાહ દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.બાલેન શાહે આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને પશુપતિનાથ મંદિરનો પ્રસાદ અર્પણ કર્યો. તેમણે એક કલાત્મક લાકડાના ડબ્બામાં રુદ્રાક્ષ, શાલિગ્રામ અને ચંદન ભેટ આપ્યાં. વડાપ્રધાન સચિવાલય મુજબ, આ બાલેન શાહ તરફથી મોદી માટેની ખાનગી ભેટ હતી.
બીજી તરફ, વડાપ્રધાન મોદીએ બાલેન શાહને ગંગાજળથી ભરેલો કળશ ભેટ આપ્યો. આ ઉપરાંત, નેપાળી દૂતાવાસ તરફથી પણ મોદીને મચ્છિન્દ્રનાથ સાથે સંબંધિત એક ભેટ આપવામાં આવી. બંને વડાપ્રધાનોએ દ્વિપક્ષીય બેઠક દરમિયાન એકબીજાને ભેટ આપી.ભારત અને નેપાળ વચ્ચે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહની બેઠક યોજાઈ રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને આર્થિક સહયોગ વધારવા અંગે 3 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવવાના છે. ભારત નેપાળને એક વિશેષ આર્થિક પેકેજ આપશે. તેને બંને દેશો વચ્ચેની વાતચીતનું સૌથી મોટું પરિણામ માનવામાં આવી રહ્યું છે. જોકે, આ પેકેજ હેઠળ નેપાળને કેટલી રકમ આપવામાં આવશે, તેની માહિતી હજુ સામે આવી નથી. ભારત નેપાળને ગુજરાતના કંડલા અને ઓડિશાના પારાદીપ બંદરોના ઉપયોગની સુવિધા આપશે. તેનાથી નેપાળને અન્ય દેશોમાંથી માલ મંગાવવામાં અને પોતાનો માલ બહાર મોકલવામાં સરળતા રહેશે. નેપાળે ગુજરાતના મુન્દ્રા બંદર સુધી પહોંચ આપવાની માંગ કરી હતી, પરંતુ ભારતે તેને મંજૂરી આપી નથી. ભારત અને નેપાળ વચ્ચે અયોધ્યા અને જનકપુરધામને જોડતી નવી ટ્રેન સેવા શરૂ થશે. તેનું નામ ‘સરયુ-કમલા એક્સપ્રેસ’ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી અને બાલેન શાહ આ ટ્રેનને લીલી ઝંડી આપશે. તેનાથી ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા અને માતા સીતાની જન્મભૂમિ જનકપુરધામ વચ્ચે આવન-જાવન કરતા શ્રદ્ધાળુઓને સરળતા રહેશે.






