બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભારતમાં નિર્વાસનમાંથી 16 ડિસેમ્બરે પોતાના દેશ પરત ફરવાની યોજના જાહેર કરી છે. 16 ડિસેમ્બર
બાંગ્લાદેશમાં ‘વિજય દિવસ’ તરીકે ઉજવાય છે, જે 1971માં પાકિસ્તાનથી આઝાદીની યાદ અપાવે છે. ઓગસ્ટ 2024માં વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલન બાદ તેમનું 15 વર્ષ જૂનું શાસન ખતમ થયું હતું અને તેઓ દેશ છોડીને ભારત આવ્યા હતા. ત્યારબાદ બે વર્ષથી વધુ સમય બાદ પહેલીવાર તેમણે પરત ફરવાની ચોક્કસ તારીખ જાહેર કરી છે.
હસીનાના પ્રવક્તા સૈયદ મોઝમ્મેલ અલીએ મંગળવારે જણાવ્યું હતું કે હસીના વિજય દિવસના અવસરે ઢાકા પરત ફરવા માંગે છે અને બાંગ્લાદેશ સરકારે તેમને દિલ્હીથી રાષ્ટ્રીય એરલાઈન ‘બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સ’ દ્વારા પરત લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. પ્રવક્તાના મતે, 5 ઓગસ્ટ 2024ના રોજ તેમને બાંગ્લાદેશના વિમાનમાં ભારત મોકલાયા હતા, તેથી હવે તેમને પરત લાવવાની જવાબદારી સરકારની છે. શેખ હસીનાની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે તેમણે પરત ફરવા માટે નવો બાંગ્લાદેશી પાસપોર્ટ અને નેશનલ આઈડેન્ટિટી કાર્ડ મેળવવાની માંગ કરી છે. ઓગસ્ટ 2024માં તેઓ ભારત આવ્યા બાદ તેમના જૂના દસ્તાવેજો રદ કરાયા હતા.
જોકે, બાંગ્લાદેશ સરકારે આ માંગના કાયદાકીય આધાર સામે સવાલ ઉઠાવતા દસ્તાવેજો આપવાનો ઇનકાર કર્યો છે. ઢાકાનું કહેવું છે કે હસીનાને ભારત-બાંગ્લાદેશ વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ હેઠળ જ પરત લાવવા જોઈએ. બાંગ્લાદેશના અધિકારીઓએ જણાવ્યું છે કે તેમણે ભારત પાસે હસીનાના પ્રત્યાર્પણની ઔપચારિક માંગ કરી છે અને ભારતીય તંત્ર કાયદાકીય પ્રક્રિયા મુજબ તેની ચકાસણી કરી રહ્યું છે.બાંગ્લાદેશમાં હાલ રાજકીય માહોલ અત્યંત તંગ છે અને શેખ હસીનાની અવામી લીગ પાર્ટી પર પ્રતિબંધ યથાવત છે. એક બાંગ્લાદેશી મંત્રીએ રવિવારે જણાવ્યું હતું કે જો હસીના દેશમાં પરત ફરશે તો તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવશે.






