પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ થયો હતો. સુરક્ષા એજન્સીઓએ સોમવારે પાકિસ્તાની હેન્ડલરોની સાયબર જાસૂસીનો પ્રયાસ ઝડપી પાડ્યો હતો. તે ડિફેન્સ, પેરામિલિટરી અને ડિફેન્સ-સિવિલિયન અધિકારીઓના ખાનગી વોટ્સએપ ગ્રુપમાં ઘૂસી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ દ્વારા અંદાજે 13-14 ખાનગી ગ્રુપમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. એજન્સીઓએ આ જોખમને સંવેદનશીલ સુરક્ષા ફરજ બજાવી રહેલા અધિકારીઓ વિરુદ્ધનું એક ટાર્ગેટેડ સાયબર જાસૂસી અભિયાન ગણાવ્યું હતું.
આ ઘટના બાદ આ ગ્રુપ્સ અને અન્ય સોશિયલ કમ્યુનિકેશન પ્લેટફોર્મનું ઓડિટ કરાવવા તથા તેમને દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગ્રુપમાંથી અજાણ્યા મેમ્બર્સને હટાવવા માટે કહેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ સત્તાવાર કે ગુપ્ત માહિતી અને ડેટા શેર ન કરવાની સૂચના આપવામાં આવી છે.
સૂત્રોના મતે, આ જાસૂસોએ કોઈ નકલી અથવા હેક કરાયેલા ભારતીય મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો હતો. આ નંબરો ગ્રુપમાં સાઇલેન્ટ મેમ્બર્સ તરીકે જોડાયેલા રહેતા હતા. તેઓ ગ્રુપમાં થતી વાતચીત અને શેર કરવામાં આવતા દસ્તાવેજો પર નજર રાખતા હતા. ઓળખાયેલા ગ્રુપ્સ ઉપરાંત એક સામાન્ય એડવાઈઝરી પણ જારી કરવામાં આવી હતી. જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ સત્તાવાર કે ગુપ્ત માહિતી અને ડેટા શેર ન કરવાની સૂચના આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સીઓએ એક જાસૂસને ઝડપી પાડ્યો હતો. તે ડિફેન્સ-સિવિલિયન અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં DRDO ના વૈજ્ઞાનિક ‘સોનિયા’ બનીને સામેલ થયો હતો.




