ભાવનગરની માર્ગ અને મકાન વિભાગ કચેરીમાં હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવતા હિસાબી અધિકારીને કોન્ટ્રાક્ટરે ફોનમાં ધમકી આપતા નિલમબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના પાનવાડીમાં આવેલ ગવર્મેન્ટ ક્વાર્ટરમાં રહેતા અને માર્ગ અને મકાન વિભાગમાં હિસાબી અધિકારી વર્ગ-૧ તરીકે ફરજ બજાવતા ઋષિરાજભાઈ જયનારાયણભાઈ સક્સેનાએ નીલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, સરકારની નીતિ વિરુદ્ધ માર્ગ અને મકાન વિભાગના ટેક્નિકલ કર્મચારીઓ સાથે મેળાપીપણું કરી ખાનગી એજન્સીઓના ડામર ખરીદી અંગેના રૂ.૨૨.૫૦ લાખના વધારાના બિલો પર સ્ટાર રેટ મેળવેલ હોય,ઓમ કન્સ્ટ્રક્શન કંપનીમાં રૂ.૨૨.૫૦ લાખની રિકવરી બાબતે પત્ર વ્યવહાર કરેલ હતો. કંપનીના માલિક રાજેન્દ્રસિંહ સરવૈયાને આ બાબત ન ગમતા તારીખ ૨ ના રોજ સાંજે ફોન ઉપર તેમની કંપનીના ટેન્ડરના જે કોઈ બિલ આવે તે મંજૂર કરી દેવા અન્યથા તમને જાેઈ લઈશ તેમ કહી ગાળો આપી હતી અને વધારે માથાકૂટ કરશો તો એ.સી.બી. ની ટ્રેપ કરાવી ફીટ કરાવી દઈશ એવી ધમકી આપી હતી.
આ અંગે નીલમબાગ પોલીસે કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.