ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર (Vice Chancellor) એટલે કે ઉપ કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખીમાણીને ગત વર્ષે નવેમ્બર માસમાં તેમના પદ પરથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા હટાવવામાં આવ્યા હતાં. ત્યારે UGCના આ નિર્ણય સામે રાજેન્દ્ર ખીમાણીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે રાજેન્દ્ર ખીમાણીની આ અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે.
હાઇકોર્ટે ગૂજરાત વિદ્યાપીઠને UGCના નિર્દેશોનું પાલન કરવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટે જણાવ્યું કે, ‘ગૂજરાત વિદ્યાપીઠ 8 સપ્તાહમાં UGCના નિર્દેશનું પાલન કરે.’ મહત્વનું છે કે, UGCએ ખિમાણીને પદ પરથી હટાવવાનો નિર્દેશ કર્યો હતો. આથી, ઉપ કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ UGCના નિર્ણય સામે હાઈકોર્ટમાં રિટ કરી હતી. પરંતુ હાઇકોર્ટે તેઓની અરજી ફગાવી દેતા વિદ્યાપીઠને UGCના નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપી દીધો.
UGC ગ્રાન્ટ પર રોક લગાવવાની ફરજ પાડી શકે
ઉલ્લેખનીય છે કે, યુજીસીના નિયમ મુજબ કોઈ વ્યક્તિ વાઇસ ચાન્સલેરની લાયકાત ધરાવતા ન હોય તો તેને યુજીસી હટાવી શકે છે. આથી ગૂજરાત વિદ્યાપીઠને નિર્દેશ આપેલો કે રાજેન્દ્ર ખીમાણીને હટાવવામાં આવે. જો કે આ નિર્દેશનું પાલન વિદ્યાપીઠ દ્વારા કરવામાં નથી આવ્યું. આથી જો આ નિર્દેશનું પાલન નહીં કરવામાં આવે તો ગૂજરાત વિદ્યાપીઠને મળતી ગ્રાન્ટ પર રોક લગાવવાની ફરજ પાડવામાં આવશે.