આજે ગુજરાત વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ કોંગ્રેસ દ્વારા ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાના અંતિમ સત્રોના પ્રથમ દિવસે પણ કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. ગતરોજ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સરકાર વિરોધી સૂત્રોચાર સાથે વેલમાં ધસી આવ્યા હતા. જે બાદ તેઓને જગ્યાએ બેસવા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ ટકોર કર્યા બાદ કેટલાક ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વેલમાં હોબાળો કરતા જીગ્નેશ મેવાણી, કનુભાઈ બારૈયા, કાંતિભાઈ ખરાડી, નૌશાદ સોલંકી, ગેનીબેન ઠાકોર, પ્રતાપ દુધાત, અમરીશ ડેર, પુના ગામીત, ચંદનજી ઠાકોર, ઈમરાન ખેડાવાલા અને બાબુ વાજાને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો આજે વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ ગૃહમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે લમ્પી વાયરસ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી, જે અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં ન આવતા કોંગ્રેસ હોબાળો મચાવ્યો હતો અને બાદમાં ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.