ભાવનગરમાં જીએસટી માં બોગસ બિલિંગ કૌભાડ, ખોટું વેરા શાખ મેળવવી તથા ઈ વે બિલ વગર માલ સામાનની હેરાફેરી કરી ગેરરીતિ આચરવી વિગેરે પ્રવુતિઓ બેફામ છે તેમાં ઘર ફૂટે ઘર જાયની માફક તંત્રના કેટલાક અધિકારીઓનું મેળાપીપણું જવાબદાર હોવાનું ચર્ચાય છે. ભૂતકાળમાં ભાવનગરમાં જીએસટી અધિકારીઓ સામે થયેલી ખાતાકીય કાર્યવાહી તેનો પુરાવો છે.
ભાવનગરમાં હાલ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ઘણા સમયથી સરકારી કાર્યવાહી ખાનગી રાખવાનું ચલણ વધ્યું છે, સૂત્રો મુજબ મોબાઈલ સ્કવોર્ડ દ્વારા ઈ વેબિલ વિના કે અન્ય કોઈ નિયમ ભંગ કરતા વાહનો સામે કાર્યવાહી થઈ રહી છે, જે પૈકી કેટલાક સામે કાર્યવાહી નહિ કરીને જવા પણ દેવામાં આવે છે જેના પાછળ આર્થિક લાભ ખાટવાનો મલીન ઈરાદો હોય છે. અધિકારીઓ મનમાની કરીને કેટલા કિસ્સામાં કાર્યવાહી થઈ તે જાહેર કરતા નથી જેથી વહીવટ ખાનગી રહે છે. સમયાંતરે વાહનો પકડીને કચેરીએ લાવવામાં આવે છે પરંતુ જ્યારે પ્રેસ મીડિયા દ્વારા વિગતો માંગવામાં આવે ત્યારે અધિકારીઓ વ્યક્તિગત વિગત માંગી હોય એ રીતે મો મચકોડે છે. સરકારી કાર્યવાહી જાહેર હોય છે ત્યારે ખાનગી રીતે વહીવટ ચલાવીને લોકોમાં ઊભી થયેલી શંકા વધુ બળવત્તર બનાવામાં આવી રહી છે.! હાલમાં જ એક બોલેરો અને ત્રણ ટ્રક ટેમ્પો જીએસટી કચેરીએ લાવવામાં આવ્યા છે પરંતુ અધિકારીઓનો ઈરાદો અલગ હોય તેમ સત્તાવાર કોઈ વિગત જાહેર કરાઈ નથી.