ભાવનગર ભાજપમાં વર્તમાન ધારાસભ્યોને આગામી ચૂંટણીમાં ટિકિટ આપવાનો વિરોધ રૂપે ચળવળ શરૂ થઈ છે, હાલ નાના સ્વરૂપે ચાલતી આ ચળવળ આગામી દિવસોમાં મોટું રૂપ ધારણ કરે તો પણ નવાઈ નહિ કહેવાય. બીજી બાજુ બ્રહ્મ સમાજે પરોક્ષ રીતે અને ક્ષત્રીય સમાજે જાહેરમાં ખુલીને ભાજપની ટિકિટ માટે માંગ ઉચ્ચારી છે. ભાજપમાં આગેવાનો, કાર્યકરો પણ નો રિપિટ થિયરીમાં પક્ષમાં હોવાનું મનાય છે. આમ, ભારતીય જનતા પાર્ટી નિયમ લાવે કે ન લાવે ભાવનગરમાં કાર્યકરો આગેવાનો નો રીપીટના મૂડમાં હોવાનું જણાય છે!
શહેરમાં પશ્ચિમ વિધાનસભા બાદ પૂર્વની બેઠક વિસ્તારમાં પણ વિધાનસભાની ચૂંટણીન દિવસો નજીક નારાજગીના રોષનો સૂર વધતો જાય છે. છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના જ આગેવાનો હોદ્દેદારો નો રીપિટ ની માંગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં પણ બ્રહ્મસમાજ મેદાનમાં આવી નો રીપીટ માટે બળવો પોકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણીમાં મતદારો પર પ્રભુત્વ ધરાવતા સમાજ, જ્ઞાતિઓ દ્વારા પોતાના સમાજના ઉમેદવારને ટિકિટ ફાળવવા રાજકીય પક્ષો પર દબાણ લાવી રહ્યા છે. પૂર્વ પશ્ચિમ બંને બેઠક પર ચૂંટણી લડી શકે તેવા અસંખ્ય સક્ષમ ચહેરા હોવાથી બીજાને પણ તક મળવી જાેઈએ તેમ કાર્યકરો કહી રહ્યા છે.