બેન્કોમાંથી જંગી ધીરાણ લઇને હાથ ઉંચા કરી દેનારા લોકો સૌથી વધુ દિલ્હી અને મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 7954 ડીફોલ્ટરો 3.82 લાખ કરોડ ચૂકવતા નથી જ્યારે દિલ્હીના 2868 લોકોના 1.14 લાખ કરોડ બાકી છે. ત્રીજા ક્રમે તેલંગાણાનો નંબર આવે છે.
ટ્રાન્સ યુનિયન સીબીલના રિપોર્ટ પ્રમાણે બંને રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના 30359 લોન ધારકોએ 8.58 લાખ કરોડ ચૂકવવામાં હાથ ઉંચા કરી લીધા છે. આ તમામ લોકો પર 1 કરોડથી અધિકની લોન છે. બેન્કોએ તેમના વિરુધ્ધ કેસ કર્યા છે. 31 માર્ચ,2022 સુધીના આ રિપોર્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ડીફોલ્ટ લોનમાં ત્રણ ગણી વૃધ્ધિ થઇ છે.
2017માં 32 રાજ્યોના 17236 ડીફોલ્ટરોનાં 2.58 લાખ કરોડ બાકી હતા હવે ડીફોલ્ટરો અને રકમ પણ ઘણી વધી ગઇ છે. ડીફોલ્ટરોની સંખ્યામાં મહારાષ્ટ્ર ટોચ પર છે. ડીફોલ્ટરોના 12 સરકારી બેન્કોના જ 5.90 લાખ કરોડ બાકી છે. સૌથી વધુ 1.60 લાખ કરોડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના છે જ્યારે પીએનબીના 1.08 લાખ કરોડ છે. ખાનગી બેન્કોનાં 1.32 લાખ કરોડ છે. સહકારી બેન્કોના 3599 કરોડ છે.