૩૬મી નેશનલ ગેમ્સમાં ભાવનગરના સ્પોટ્ર્સ કોમ્પ્લેક્ષ ખાતે આજથી ભાઇઓ તથા બહેનોની બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. ભાવનગર ખાતે દેશભરના ૧૬ જેટલા રાજ્યોની ટીમો આવી પહોંચી છે.
આજે સવારે ૮ વાગ્યાથી બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો હતો જેમાં મેન્સમાં પ્રારંભિક મેચ ૫ ઓન ૫માં ગુજરાત અને તામીલનાડુ વચ્ચે મેચ રમાઇ હતી. રસાકસીભરી મેચમાં ગુજરાતની ટીમે ૬૧ અને તામીલનાડુએ ૯૬ પોઇન્ટ કરતા તામીલનાડુનો વિજય થયો હતો. જ્યારે ગુજરાત અને પંજાબ વચ્ચે રમાયેલી ૩ ઓન ૩માં ગુજરાતના ૨૦ સામે પંજાબના ૨૧ પોઇન્ટ થતા પંજાબનો ૧ પોઇન્ટથી વિજય થયો હતો. આ ઉપરાંત મહિલાઓની બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો પણ સાથે જ પ્રારંભ થયેલ જેમાં ગુજરાત અને કેરેલા વચ્ચે રમાયેલી પ્રારંભિક ૩ ઓન ૩માં ગુજરાતના ૮ સામે કેરેલાએ ૨૧ પોઇન્ટ કરતા વિજય થયેલ. જ્યારે મહિલા વિભાગમાં ૫ ઓન ૫માં ગુજરાતના ૧૩ સામે પંજાબની ટીમે ૧૯ પોઇન્ટ બનાવી વિજય હાંસલ કર્યો હતો. આમ નેશનલ ગેમ્સમાં બાસ્કેટબોલ ટૂર્નામેન્ટના આજથી થયેલા પ્રારંભમાં ગુજરાતની ટીમોએ નબળી શરૂઆત કરી હતી. જાે કે, આ ટૂર્નામેન્ટ હજુ ૬ ઓક્ટોબર સુધી ચાલશે.