સોમવારથી પ્રારંભ થયેલ આદ્યશક્તિના નવલા નોરતા ઉતરાર્ધમાં પહોંચી ગયા છે ત્યારે નવરાત્રી રાસોત્સવમાં ખેલૈયાઓનો થનગનાટ ચરમસીમાએ જાેવા મળી રહ્યો છે તેમાં પણ શનિ-રવિ વધુ રંગ જામશે. સોમવારે હવનાષ્ટમી ઉજવાશે. આ સાથે નવરાત્રી અંતિમ ચરણમાં પહોંચશે. જાે કે, ખેલૈયાઓ છેલ્લે દિવસે છેલ્લી ઘડી સુધી રમવા આતુર જણાય છે.
શહેરના ઇસ્કોન ક્લબમાં નવરાત્રી રાસોત્સવમાં શુક્રવારની રાત્રીએ અંતરિયાળ દંગાપરા પ્રાથમિક શાળાના બાળકોએ રાસ ગરબાની અદ્દભુત પ્રસ્તુતિ કરી વાહ વાહ લૂંટી હતી. તો મેડિકલ કોલેજ ખાતે આયોજીત નવરાત્રી રાસોત્સવમાં નર્સિંગ સ્ટુડન્ટોએ પરંપરાગત પોશાકો પહેરી રાસ ગરબાનો આનંદ માણ્યો હતો.
ઇસ્કોન ખાતે નવરાત્રી રાસોત્સવમાં દંગાપરા પ્રાથમિક શાળાના બાળકોનું અદભુત પરફોર્મન્સ
ભાવનગરમાં ઈસ્કોન ક્લબ અને આર્ચીસ ગ્રૂપ દ્વારા રોટરી ક્લબ ઓફ ભાવનગરના સહયોગથી આયોજિત નવરાત્રી રાસ ગરબામાં ઘોઘા તાલુકાના અંતરિયાળ પર્વતીય વિસ્તારમાં નાના ખોખરા પાસે આવેલ દંગાપરા પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓએ ઇસ્કોન ખાતે રાસ ગરબાની અદ્ભૂત પ્રસ્તુતિ કરી હાજર દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
નેશનલ લેવલે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી તેમજ અન્ય લોકોને કૃતિઓ તૈયાર કરાવી અત્યાર સુધીમાં ૨૦ લાખ કરતા વધારેના પુરસ્કારો આ શાળાએ પ્રાપ્ત કર્યા છે. પુરસ્કારની દરેક રકમ ઘરે ન લઈ જતા સમગ્ર રકમ સ્કૂલના ડેવલોપમેન્ટમાં વાપરવાના આ બાળકોના અભિગમની હાજર રહેલ દરેકે સરાહના કરી હતી. હાજર રહેલા ઘણા ગૃપો અને વ્યક્તિઓએ રોકડ પુરસ્કારો આપી આ બાળકોને બિરદાવ્યા હતા.