ઉત્તરકાશી હિમપ્રપાત દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો હજુ પણ લાપતા છે. તમને જણાવી દઈએ કે, 70 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ ખરાબ હવામાનને કારણે રેસ્ક્યુ ઓપરેશન વચ્ચે-વચ્ચે રોકવું પડ્યું હતું. આ ઘટના દ્રૌપદીના દાંડા શિખર પર હિમપ્રપાત બાદ બની છે.
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું કે, ઉત્તરકાશી હિમસ્ખલન બાદ અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. શુક્રવારે અપગ્રેડેડ હેલિકોપ્ટર દ્વારા મૃતદેહોને માતાલી હેલિપેડ સુધી લાવવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કુલ 30 બચાવ ટીમો સ્થળ પર તૈનાત છે. આ સાથે શુક્રવારે પણ હવામાન રેસ્ક્યૂ ઓપરેશનમાં અડચણ ઉભી કરી શકે છે, કારણ કે ઉત્તરકાશીમાં આજે પણ વાદળછાયું વાતાવરણ છે. જ્યારો 10 ટ્રેકર તાલીમાર્થીઓ હજુ પણ લાપતા છે અને અત્યાર સુધીમાં 19 મૃતદેહો મળી આવ્યા છે.
ઉત્તરકાશી હિમપ્રપાત દુર્ઘટનામાં ગુરુવારથી હાઈ એલ્ટિટ્યુડ વૉર ફેર સ્કૂલ ગુલમર્ગની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. આ ટીમ પણ હિમપ્રપાતમાં ફસાયેલા લોકોને બચાવી રહી છે. ટીમના 15 લોકો પહેલાથી જ ઉત્તરકાશી પહોંચી ગયા હતા. આ ટીમ સેનાને પણ ગ્લેશિયરમાં રક્ષા કેવી રીતે કરવી તેની તાલીમ આપે છે. હાઈ એલ્ટિટ્યુડ વૉર ફેર સ્કૂલની ટીમની સાથે ITBP, SDRF, NIS અને NDRF બચાવ કામગીરી કરી રહી છે. હવે રેસ્ક્યૂ માટે 16000 ફૂટની ઉંચાઈ પર પર એક અદ્યતન હેલિકોપ્ટર લેન્ડિંગ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે.