શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૨૨ ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંત્યોદયના વિચારને સાકાર કરતો લોક ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અંત્યોદયથી સર્વોદયના વિચારમંત્રને સાકર કરવા રાજ્ય સરકાર કાર્યરત છે. શ્રમિકો સન્માન સાથે જીવે તે અમારી સરકારનો ધ્યેય છે. લોકો માટે ‘ઘરનું ચણતર’ કરનાર શ્રમિકો માટે રાજ્યમાં અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. જેની પડખે કોઈ નથી, તેની પડખે સરકાર છે. તેવા ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીના વરદ્ હસ્તે આજે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ ૨૨ કડિયા નાકા ઉપર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થયું છે. ત્યારબાદ તબક્કાવાર સમગ્ર રાજ્યમાં આવતા બે મહિનામાં આ યોજના અંતર્ગત ભોજન કેન્દ્રો ખોલવામાં આવશે, આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર ૫૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોર સ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત શ્રમિકનો સમય ન બગડે અને સરળતાથી નોંધણી કરાવી શકાય તે માટે શ્રમ ‘સન્માન’ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે.
શ્રમ ‘સન્માન’ પોર્ટલ વિશે જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તમામ યોજનાના લાભો ડિજિટલ માધ્યમથી એક જ પોર્ટલ પર મળી શકે તે માટે ‘સન્માન’ પોર્ટલ કાર્યરત કરાયું છે. તાજેતરમાં જ દેશમાં ૫જી સેવાનો પ્રારંભ કરાવાયો છે જેમાં શ્રમિકોને પણ આવરી લેવાનો અભિગમ છે. ‘સન્માન’ પોર્ટલથી હવે કોઈપણ શ્રમિકને કચેરીમાં જવું નહીં પડે. ઘરેબેઠા જ અરજીથી લઈ મંજૂરી સુધીની તમામ પ્રક્રિયા સરળ બનાવાઈ છે.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર કૌશલ્ય વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, અન્ન, આવરણ અને આવાસ એ કોઈપણ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે રાજ્યના બાંધકામ શ્રમિકો માટે ‘અન્નપૂર્ણા યોજના’ શરૂ કરાઇ છે. નોંધાયેલા શ્રમિકોને તો આ લાભ મળવાનો જ છે પરંતુ જે શ્રમિકોની નોંધણી નથી થઈ તેમના માટે ‘સન્માન’ પોર્ટલ શરૂ કરાયું છે. જેનાથી ન નોંધાયેલા શ્રમિકોને પણ આવરી લેવાશે. શ્રમિકોને સાત્વિક- પૌષ્ટિક ભોજન આપવાના ધ્યેય સાથે આ યોજના અંતર્ગત શ્રમિકોને માત્ર ૫ રૂ.માં ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.






