ભાવનગર પૂર્વની બેઠક વણિક બ્રાહ્મણની ગણવામાં આવે છે, તેમાં વણિક સમાજને ફાળે લાંબા સમયથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ નહિ આવતા હવે વણિક સમાજ પણ એક મંચ પર આવ્યો છે અને નારાજગી દર્શાવી છે, આમ વધુ એક સમાજ ટિકિટની માંગ સાથે મેદાને આવ્યો છે. વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ જ્ઞાતિઓનો રાજકીય પ્રતિનિધિત્વ માટેનો જંગ ઘેરો બનતો દેખાઈ રહ્યો છે!
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી પૂર્વ વિધાનસભા બેઠક પર વણિક સમાજના મતદારો વધુ છે. તેમ છતાં છેલ્લા ૩૫ વર્ષથી વણિક સમાજ સાથે રાજકીય પક્ષો દ્વારા અન્યાય થઈ રહ્યો છે. જેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વની બેઠક પરથી વણિક સમાજમાંથી ઉમેદવાર પસંદગી કરવાની માંગ સાથે સમસ્ત વણિક સમાજની બેઠક પણ મળી હતી.
આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ આ બંને બેઠકો પર ગરમાવો જામ્યો છે. જ્ઞાતિના સમીકરણો પણ આ બંને બેઠકો પર વધુ તેજ બન્યા છે. છેલ્લા ૩૫ વર્ષથી જાણે રાજકીય સંન્યાસ આપ્યો હોય તેમ વણિક સમાજનો છેદ ઉડાડી દેવામાં આવ્યો હોવાની લાગણી બેઠકમાં વ્યક્ત થઈ હતી. જેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં વણિક સમાજમાંથી પણ ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેવી માંગ સમસ્ત વણિક સમાજમાં ઉઠી છે. વિધાનસભાની ચૂંટણીમાં વણિક સમાજને પ્રતિનિધિત્વ માટે પ્રાધાન્ય આપવાની માંગ સાથે સમસ્ત વણિક સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં વણિક સમાજની જુદી જુદી ૩૨ જ્ઞાતિના આગેવાનો એકઠા થયા હતા. અને છેલ્લા ૩૫ વર્ષથી રાજકીય પક્ષો દ્વારા વણિક સમાજ સાથે થઈ રહેલા અન્યાય સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી. અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં વણિક સમાજમાંથી પૂર્વ વિધાનસભાની બેઠક પર ટિકિટ ફાળવવા માગણી કરવામાં આવશે. આગામી દિવસોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો પાસે વણિક સમાજમાંથી ઉમેદવારી માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. વણિક સમાજમાંથી ચૂંટણી લડવા ઈચ્છુકોની યાદી સુપ્રત કરાશે.
ભાવનગરના ઉમેદવારોનો મેળ પડતો નથી ત્યાં સિહોરથી ઇચ્છુકો કુદયા !
ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બંને બેઠકો પર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા અનેક ઉમેદવારો આતુર છે તેમાંય ખાસ કરીને પૂર્વની બેઠકમાં ભાજપમાં નો રિપીટ થીયરી નિશ્ચિત મનાય છે ત્યારે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. વણીક બ્રાહ્મણ અને અન્ય સમાજના ઉમેદવારો પણ આ બેઠક માટે એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. તેમાં હવે સિહોરથી ભાજપના પ્રદેશના યુવા અગ્રણી ધવલ દવે પણ પૂર્વની બેઠક પરથી લડી લેવા આતુર હોવાનું ચર્ચામાં આવ્યું છે તો સિહોરના જ પરેશ શુક્લ કોંગ્રેસમાંથી આ બેઠક પર ચૂંટણી લડવા ઇચ્છુક હોવાનું જાણવા મળ્યું છે. આમ ભાવનગરની આ બેઠક પર ભાવનગરના ઉમેદવારોનો હજુ દુર દુર સુધી મેળ પડતો દેખાતો નથી ત્યાં હવે સિહોરના ઉમેદવારો પણ કુદયા છે !