ભાવનગર શહેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘ દ્વારા વિવિધ શૈક્ષણિક અને રચનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ વહિવટી કર્મચારી તથા શ્રેષ્ઠ સેવકનું સન્માન કરવાનો કાર્યક્રમ તા.૧૬ને રવિવારે સાંજે પાંચ કલાકે સ્વામિનારાયણ વિદ્યાલય ચિત્રા ખાતે યોજાશે. જેમાં પોતાની નિયમિત ફરજ ઉપરાંત શિક્ષણનું વિશેષ કાર્ય કરતા શિક્ષકોને આચાર્ય સંઘ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.
કોરોના મહામારીના બે વર્ષ પછી યોજાનારા આ કાર્યક્રમમાં વિશુધ્ધાનંદ હાઇસ્કૂલના હિતેશભાઇ કનાડા, નંદકુંવરબા હાઇસ્કૂલના કલ્યાણીબેન દવે, દક્ષિણામૂર્તિના દિનેશભાઇ પરમાર, બી.એમ. કોમર્સના જયદેવભાઇ મહેતાને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ અપાશે.
આ ઉપરાંત એમ.વી. રાણા હાઇસ્કૂલના દિગ્વિજયસિંહ ગોહિલ તથા મસ્તરામજી હાઇસ્કૂલના તેજસ જાેષીને શ્રેષ્ઠ વહિવટી કર્મચારીનો એવોર્ડ અપાશે. જ્યારે એમ.કે. જમોડ હાઇસ્કૂલના રમેશભાઇ રાણાને શ્રેષ્ઠ સેવકનો એવોર્ડ આપવામાં આવશે.
આ ઉપરાંત આચાર્ય સંઘ દ્વારા સમાજના વંચિત ક્ષેત્રોમાં કાર્ય કરતા હોય તેવા સેવાભાવીને સન્માનવાનો પણ ઉપક્રમ છે તેમાં ભાઇબંધની નિશાળ નામથી કાર્ય કરતા યુનિવર્સિટીના કર્મચારી ડો.ઓમભાઇ ત્રિવેદીનું શ્રેષ્ઠ સામાજિક શૈક્ષણિક કાર્ય એવોર્ડ આપી સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દરેક શાળાના શિક્ષકો અને આચાર્યોને ઉપસ્થિત રહેવા સંઘના પ્રમુખ તથા મહામંત્રી દ્વારા અનુરોધ કરાયો છે.