સુરતના પાંચ મિત્રોના ગ્રૂપે ખારા પાણીને પીવા લાયક બનાવતું એક મશીન બનાવ્યું છે. સૂર્ય ઉર્જા દ્વારા ચાલતું આ મશીન દરિયાના ખારા પાણીને મીઠું પાણી બનાવે છે.યશ તરવાડી, ભૂષણ પર્વતે, નિલેશ શાહ, ચિંતન શાહ અને જ્હાન્વી રાણાએ સાત વર્ષની મહેનત બાદ ખારા પાણીને મીઠુ કરવાનું આ મશીન તૈયાર કર્યું છે.તેમણે સુરત જિલ્લાના ઓલપાડમાં ખાસ ઉપકરણની મદદથી દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવાનો પ્લાન્ટ ઉભો કર્યો છે, જેમાં પ્રતિ લિટર માત્ર 50 થી 55 પૈસાના ખર્ચથી પ્રતિદિન 2000 લિટર દરિયાના ખારા પાણીને શુદ્ધ કરી શકાય છે.
સુરતમાં કોલેજના પાંચ એન્જિનિયરોએ ભેગા મળીને આ અદભૂત મશીનનું સર્જન કર્યું છે. તેમના શરૂઆતમાં સતત નિષ્ફળતા મળતી રહી હતી 15 વખત નિષ્ફળ ગયા બાદ 16મી વખતે તેમનો આ પ્રોજેક્ટ સફળ બન્યો.સંપૂર્ણ સુર્ય ઉર્જાથી ચાલતો આ પ્લાન્ટ બાહ્ય કોઇ પણ ઊર્જાની જરૂર વગર ચાલે છે અને તેમાં વર્ષ દરમિયાન નહીવત ખર્ચ આવે છે. ભારત પાસે જે યુવાધન છે તે જ ભારત દેશને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બનાવે છે તેનું એક ઉદાહરણ છે,સોલેન્સ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. આ પ્લાન્ટ અત્યારે ઓલપાડમાં કાર્યરત છે.
આ પ્લાન્ટ વિકસાવવા માટે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને રાજ્ય સરકારના સ્ટાર્ટ અપ ગુજરાત યોજના હેઠળ ઈન્ડસ્ટ્રીઝ કમિશનરેટ-ગાંધીનગર દ્વારા રૂ.૩૦ લાખની સહાય મળી છે. તેમણે આ ઉપકરણનું પેટન્ટ પણ કરાવ્યું છે. ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ હેઠળ સરકાર દ્વારા પેટન્ટ માટે રૂ.૨૫૦૦૦ની સહાય પણ આપવામાં આવી છે.
આ પ્લાન્ટ હાઈ ટીડીએસ સાથે દરિયાના પાણીને પીવાલાયક બનાવે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની સ્ટાર્ટ અપ યોજના હેઠળ ઉપયોગી સહાય મળતા અમને આ ક્ષેત્રમાં કામ કરવાનું નવું પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે. સૂર્યના કિરણોને યંત્રના વોકલ પર કેન્દ્રિત કરી કોન્સન્ટ્રેટર નામના ડિવાઈસમાં એટલે કે રિસીવરમાં ખારૂ પાણી લેવામાં આવે છે. તેમાં ખારા પાણીમાં રહેલું મીઠું અને અન્ય પાર્ટ્સ રિસીવરમાં રહી જાય છે, અને માત્ર સ્ટીમ આગળ વધે છે. સ્ટીમને હિટ એક્સચેન્જર નામની ડિવાઈસ પ્રવાહી સ્વરૂપમાં ફેરવે છે. ત્યારબાદ પ્રોસેસ થયેલું આ પાણી પીવાલાયક બને છે.