ભાવનગર અમદાવાદ-ભાવનગર વચ્ચે બંધ થયેલી ઈન્ટરસીટી ટ્રેન પુનઃ શરૂ થવાનું મુહર્ત લાંબા સમયે નીકળ્યું છે. લોકોને દિવાળીની ભેટ સમાન આ ટ્રેન ધનતેરસે તા.૨૨ને શનિવારે સવારે ૧૦ કલાકે ભાવનગર રેલવે સ્ટેશનેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાશે. આમ, અમદાવાદની ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ થવા જઇ રહી છે. તો સુરત માટે ડેઇલી ટ્રેન, હરિદ્વાર માટે ભાવનગરથી સીધી ટ્રેન વિગેરે માંગણીઓ હજુ અધ્ધરતાલ છે. આ મુદ્દે નેતાગીરી સક્રિયતા દેખાડે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.
બોટાદ-અમદાવાદ વચ્ચે ગેજ કન્વર્ઝનનું કામ પુરૂ થઈ ગયું હોવાથી ભાવનગરથી બોટાદ થઈ સીધી અમદાવાદની ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરવા માટે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિનીજી અને દર્શનાબેનને રૂબરૂ મળી આ ટ્રેન તાકીદે શરૂ કરવાની માંગણી કરતા તેમણે હકારાત્મક પ્રતિભાવ આપતા આગામી ધનતેરસેથી આ ટ્રેન શરૂ થશે. એજ રીતે ઢસા-જેતલસર લાઈનમાં લુણધરા સુધીનું ઈન્સ્પેકશનનું કામ પુરૂ થઈ ગયું છે. બાકીનું કામ થતા ટૂંક સમયમાં ઢસા-જેતલસર બ્રોડગેજ લાઈન પણ શરૂ થશે.
ભાવનગર અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન રવિવાર તા.૨૩થી રોજ સવારે ૬-૧૦ કલાકે ભાવનગરથી ઉપડી ૧૦ કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે અને સાંજે ૪ કલાકે સાબરમતી ટ્રેનથી ઉપડી ૮ કલાકે ભાવનગર પરત ફરશે.