PM મોદી આજે 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન (ભરતી ડ્રાઈવ) શરૂ કરશે. આ અભિયાનને ‘રોજગાર મેળા’ નામ આપવામાં આવ્યું છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા ભરતી થયેલા 75,000 યુવાનોને ઑફર લેટર્સ એટલે કે નિમણૂક પત્રો આપશે. પીએમ મોદીનો આ કાર્યક્રમ વર્ચ્યુઅલ હશે અને વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવાનોને સંબોધિત પણ કરશે.
પીએમઓ એટલે કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યુવાનોને રોજગારની તકો પૂરી પાડવા અને નાગરિકોના કલ્યાણને સુનિશ્ચિત કરવાની વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે. આ વર્ષે જૂનમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોને મિશન મોડ દ્વારા 10 લાખ પદોની ભરતી કરવાનો નિર્દેશ આપ્યો હતો. વડા પ્રધાને તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્દેશ આપ્યો હતો.
પીએમઓએ કહ્યું કે વડા પ્રધાનના નિર્દેશો અનુસાર, તમામ મંત્રાલયો અને વિભાગો મંજૂર પદો સામે હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા કર્મચારીઓને ભારત સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં પોસ્ટ કરવામાં આવશે. નવા ભરતી થયેલા કર્મચારીઓ સરકારમાં વિવિધ સ્તરે જોડાશે. ઉદાહરણ તરીકે, ગ્રુપ-એ, ગ્રુપ-બી (રાજપત્રિત), ગ્રુપ-બી (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ-સી.
જે પદો માટે નિમણૂંક કરવામાં આવી રહી છે તેમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ પર્સનલ, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, પીએ, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, એમટીએસ અને અન્યનો સમાવેશ થાય છે. પીએમઓએ કહ્યું કે આ નિમણૂંકો મંત્રાલયો અને વિભાગો દ્વારા તેમના પોતાના અથવા નિમણૂક એજન્સીઓ દ્વારા મિશન મોડમાં કરવામાં આવી રહી છે.