ઉત્તર પ્રદેશમાંથી અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર પેસેન્જર બસ અકસ્માતનો ભોગ બની હતી.આ અકસ્માતમાં 4 મુસાફરોના મોત નીપજ્યા છે, જ્યારે 42 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ અકસ્માત સૈફઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. ઘાયલ મુસાફરોને સૈફઈ પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સ્થાનિક પ્રશાસને પણ અકસ્માતની પુષ્ટિ કરી છે.
આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટનાને લઈ એડીએમએ કહ્યું કે, સ્લીપર બસ ગોરખપુરથી અજમેર જઈ રહી હતી. બસ મુસાફરોથી ભરેલી હતી. જ્યારે મુસાફરોથી ભરેલી બસ આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર હતી, ત્યારે તે સૈફઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ. એડીએમએ કહ્યું કે, ઘાયલોને સૈફઈની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર લગભગ 2 વાગે ડબલ ડેકર બસ ચાલતા કન્ટેનર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ખાનગી બસ ગોરખપુરથી અજમેર જઈ રહી હતી. ચેનલ 103 નંબરની નજીક પહોંચી કે તરત જ અકસ્માત થયો. અકસ્માતની માહિતી મળતા જ સૈફઈ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પછી ડીએમ અને એસએસપી પણ પોલીસ ફોર્સની સાથે દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતની વિકરાળતા એ વાત પરથી સમજી શકાય છે કે 3 કલાકની જહેમત બાદ 3 ક્રેનની મદદથી બસમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે બસમાં 60 લોકો સવાર હતા.
મહત્વનું છે કે, આ પહેલા મધ્યપ્રદેશના રીવામાં બસને અકસ્માત થયો હતો. બસ અને ટ્રક સહિત ત્રણ વાહનો અથડાયા હતા, જેમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બસ અને ટ્રક વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 3 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 100થી વધુ મુસાફરો હતા અને મૃતકોમાં મોટાભાગના યુપી અને બિહારના રહેવાસી હતા. આ અકસ્માતમાં 40 થી વધુ લોકો ઘાયલ થયા છે.