ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા પ્રમાણે ભાવનગરના નગરજનો માટે વિક્રમ સંવત ૨૦૭૯ના નૂતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન તા.૨૬.૧૦ને બુધવારે સવારે ૮થી ૮.૩૦ કલાક દરમિયાન શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ટાઉન હોલ મોતીબાગ ખાતે રાખેલ છે.
નૂતન વર્ષના મંગલ પ્રભાતે પરસ્પર શુભેચ્છા પાઠવવા અને સદભાવના વ્યક્ત કરવા ભાવનગરમાં નાગરિકોના નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમની ઉજળી પરંપરા રહી છે, બીજે ક્યાંય આ પ્રકારની પરંપરા નથી તે માત્ર ભાવનગરમાં છે જે ગૌરવની વાત છે કોરોનાકાળમાં પણ ગાઇડલાઈનના પાલન સાથે આ પરંપરા જળવાઈ હતી.
વતન લીમડા હનુભાના ખાતે શક્તિસિંહ ગોહિલ દ્વારા સ્નેહમિલન
રાજ્યસભા સાંસદ, રાષ્ટ્રીય પ્રવક્તા – એ.આઈ.સી.સી. અને દિલ્હી પ્રભારી શક્તિસિંહ ગોહિલે દીપોત્સવી પર્વ તથા નૂતનવર્ષ નિમિતે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતુ કે આગામી વર્ષ સુખ, શાંતિ, આનંદ, ઉત્સાહ અને પ્રગતિ તેમજ ભાઈચારાથી ભરપૂર સૌના માટે બની રહે. શક્તિસિંહ ગોહિલ તા.૨૬.૧૦ને બુધવારના રોજ નૂતનવર્ષ નિમિતે મિત્રો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો સૌને સ્નેહમિલનમાં મળી શકાય તે માટે પોતાના વતનના ગામ લીંમડા (હનુભાના), તાલુકો ઉમરાળા, જી. ભાવનગર ખાતે સવારના ૧૧થી બપોરના ૧ તેમજ સાંજે ૪ થી રાત્રિના ૭ સુધી મળી શકશે.
પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાનાં કાર્યાલયે નૂતનવર્ષ સ્નેહમિલન
રાજેન્દ્રસિંહ રાણા (પૂર્વ સાંસદ, ભાવનગર)દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન તા.૨૬ ઓકટોબરને બુધવારનાં રોજ સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ કલાક દરમિયાન કાર્યાલય ૩૦૧, શાંતિ હાઈટ્સ શામળદાસ આર્ટ કોલેજ સર્કલ પાસે, હિલ ડ્રાઈવ ભાવનગર ખાતે યોજાશે.