મિત્રતાના નામે અમુક લોકો કલંક સાબિત થતા હોય છે. આવો જ એક કિસ્સો શહેર પોલીસના ચોપડે નોંધાયો છે. એક યુવકનું મૃત્યુ થયા બાદ તેના પિતાએ મૃતકના મિત્રની મદદ લીધી હતી. વીમાના નાણાં માટે મદદ લેતા મિત્રએ મદદ કરવાની જગ્યાએ છેતરપિંડી આચરી છે. જેને લઈને હવે મૃતકના પિતાએ પુત્રના મિત્ર સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વટવા વિસ્તારમાં રહેતા સુનિલકુમાર રાઠોડ સિલાઈનું કામ કરે છે. તેઓને સંતાનમાં એક દીકરી છે અને એક દીકરો અલ્પેશ હતો. અલ્પેશનું ગત 15 જાન્યુઆરી 2022ના રોજ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અલ્પેશનો શ્રીરામ ફાઇનાન્સ કંપની દ્વારા અકસ્માત વીમો ઉતરાવ્યો હતો. જેથી અલ્પેશના મૃત્યુ બાદ વિમાના પૈસા લેવાના હોવાથી અલ્પેશનો મિત્ર પિયુષ ગોઢા ઘરે આવ્યો હતો અને સુનિલ કુમારને તેમના પુત્રના મિત્ર ઉપર વિશ્વાસ હોવાથી વિમાના 15,00,000 માટે બેંકમાં ખાતું ખોલાવવું પડશે તેવી વાત તેની સાથે કરી હતી. ત્યાર બાદ પિયુષ વીમો પકવવા માટે જે ડોક્યુમેન્ટ લઈ ગયો હતો તે બેંકમાં આપી એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેની સુનિલકુમારને કોઈ જાણ નહોતી.
બે મહિના પછી પીયૂશે સુનિલકુમારને કહ્યું હતું કે, 15 લાખનો વીમો પાસ થઈ ગયો છે. જેથી સુનિલકુમાર ફાઇનાન્સમાંથી 15 લાખનો ચેક લઈ આવ્યા હતા. ત્યારબાદ પિયુષે કહ્યું હતું કે, આ ચેક ત્રણ અલગ-અલગ નામના ડિવાઇડ થશે અને ત્યારબાદ પૈસા મળશે. જેથી બાદમાં પિયુષ આ ચેક લઈને ઓફિસ ચાલ્યો ગયો હતો. પાંચેક મહિના બાદ પિયુષ તેની ફ્રેન્ડના નામનો પાંચ લાખનો ડીડી લઈ આવ્યો હતો અને સુનીલકુમારે બેંકમાં નાખતા પાંચ લાખ તેઓને મળી ગયા હતા. ત્યારબાદ એક મહિના સુધી બીજો ચેક ન આવતા સુનિલકુમારે પીયુષને ફોન કરતા પીયુષે કહ્યું હતું કે, હાલ વિમાના પૈસા આવ્યા નથી.
થોડા સમય પછી પિયુષ સુનિલ કુમારના ઘરે આવી તેમની પત્નીના નામનો પાંચ લાખના ચેક માટે ફોર્મ ભરીને લઈ ગયો હતો. આ ચેક સિવાય બીજો ચેક સુનિલ કુમારની દીકરીના નામનો આવવાનો હતો. બે મહિના સુધી વિમાના 10,00,000 ન આવતા સુનિલકુમારે શ્રીરામ ફાઇનાન્સમાં તપાસ કરતા મેનેજરે કહ્યું હતું કે, વિમાના પૈસા 15 લાખ ચૂકવાઇ ગયેલા છે અને બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે. તેથી સુનિલકુમારએ જણાવ્યું કે, તેઓનું એક્સીસ બેન્કમાં એકાઉન્ટ નથી. ત્યારબાદ તપાસ માટે સુનિલકુમાર બેંકમાં ગયા હતા ત્યારે મેનેજરે પિયુષને ફોન કર્યો કે, વિમાના 15 લાખનો ચેક તું લઈ ગયો છે કે કેમ, ત્યારે પીયુષે ફોનમાં હા પાડી હતી અને પછી ફોન કટ કરી દીધો હતો. થોડીવાર પછી સુનિલકુમાર એ પીયુષને ફોન કરતા પિયુષનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.
બીજા દિવસે બેંકની બ્રાન્ચમાં સુનિલકુમાર ગયા ત્યારે ખાતામાં ફક્ત 66 રૂપિયા છે તેવી વાત જાણવા મળી હતી. જેથી સુનિલ કુમારની જાણ બહાર એક્સિસ બેન્કમાં એકાઉન્ટ ખોલાવી તે ખાતામાં પીયૂશે તેનો મોબાઈલ નંબર નાખ્યો હતો અને વિમાના 15 લાખ જાણ બહાર ઉપાડી લીધા હતા અને તેમાંથી માત્ર પાંચ લાખ રૂપિયા તેમને આપ્યા હતા અને દસ લાખ લઈ લીધા હતા. આટલું જ નહીં, અન્ય બેન્ક એકાઉન્ટમાં એફડી કરાવેલી હતી તે ₹1,92,000ની એફડીના આઈડી પિયુષ પાસે છે જેનો હિસાબ ન આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આમ લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર પીયૂશ સામે ફરિયાદ નોંધાતા વટવા પોલીસે ગુનો નથી તપાસ શરૂ કરી છે.