મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાવનગરના મોતીબાગ ટાઉનહૉલ ખાતે મહાનગરપાલિકા દ્વારા પ્રાર્થનાસભા યોજી રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ જિલ્લા પંચાયતના સભાગૃહ ખાતે પ્રમુખ ભરતસિંહ અને ડીડીઓના નેતૃત્વમાં શ્રધ્ધાંજલિ સભા યોજાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના દિવંગતોના શોકમાં આજરોજ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને શોકનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે ત્યારે ભાવનગરની સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના જુદા જુદા ૧૩ વોર્ડમાં મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ટાઉનહોલ ખાતે રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી વાઘાણી, સાંસદ શિયાળ, મેયર કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, જિલ્લા કલેકટર પારેખ, કમિશનર ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.