ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર નિતેશ વ્યાસ ભાવનગર સાથે કનેક્શન ધરાવે છે, તેમની શૈક્ષણિક કારકિર્દી ભાવનગરમાં ઘડાઈ છે, તેઓ શહેરની નામાંકીત અને પ્રતિષ્ઠિત એવી બી.એમ. કોમર્સ હાઇસ્કૂલના વિદ્યાર્થી રહી ચૂક્યા છે જે બાબત શાળા માટે તેમજ ભાવનગર માટે પણ ગૌરવરૂપ બની છે.
મૂળ દામનગરના વતની નિતેશ વ્યાસ એ દામનગરની હાઈસ્કૂલમાં ૧૦ ધોરણ સુધી ભણ્યા પછી આગળ અભ્યાસ માટે ઇ.સ. ૧૯૮૭ થી ૮૯માં ભાવનગરની બી એમ કોમર્સ હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો અને ધો. ૧૧- ૧૨ સાયન્સનો અભ્યાસ કરેલો. ધો. ૧૨ સાયન્સમાં બોર્ડમાં પ્રથમ નંબર પણ મળવ્યો હતો. તેઓ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ભાડે મકાનમાં રહીને અભ્યાસ કરતા અને ૧૯૮૮-૮૯માં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે મેળવી બી.એમ. કોમર્સ હાઇસ્કૂલ તથા ભાવનગરનું ગૌરવ વધાર્યું હતુ તેમા શાળાના પૂર્વ પ્રિ.પરેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતુ.
ત્યારબાદ એન્જિનિયર બનેલા અને પ્રથમ પ્રયાસે જ યુપીએસસી પાસ કર્યા બાદ આઈએએસ બન્યા પછી મધ્યપ્રદેશ કેડરના વિવિધ હોદ્દાઓમાં રહ્યાં અને ધાર જિલ્લા કલેકટર સહિતની વિવિધ જવાબદારી નિભાવીને હવે છેલ્લા બે વર્ષથી ચૂંટણી પંચના નાયબ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભાવનગરની બી એમ કોમર્સ હાઈસ્કૂલમાં બોર્ડમાં ત્રણ વખત પ્રથમ નંબર અલગ અલગ વિદ્યાર્થીઓ આવ્યા છે જેમાં નિતેશ વ્યાસ પણ એક હોવાનું જાણવા મળ્યું છે.