ગુજરાત રાજ્યમાં વિધાનસભા સહિતની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ એમ મુખ્યત્વે દ્વિપક્ષીય ચૂંટણી જંગ ખેલાતો હોય છે પરંતુ આ વખતે દિલ્હી અને પંજાબમાં વિજય થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવાયું છે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સહિત નેતાઓ વારંવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને આપ દ્વારા વિધાનસભાની મોટાભાગની બેઠકો પર ઉમેદવારના નામો પણ જાહેર કરી દેવાયા છે અને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એકાદ બે દિવસમાં નામ જાહેર કરાય તેવી શક્યતાઓ છે ત્યારે રાજ્યભરની સાથોસાથ ભાવનગરની વિધાનસભાની તમામ બેઠકો પર આ વખતે પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ ખેલાય તેવા સમિકરણો બની રહ્યા છે. હવે તેમાં કોણ ફાવશે તે મતદારો નક્કી કરશે.
આગામી સપ્તાહ રાજકીય ખરાખરીના ખેલનું
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા રાજ્યભરમાં રાજકીય માહોલ ગરમાયો છે. બે તબક્કે યોજાનાર ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કે મતદાન થનાર છે. જેમાં પ્રથમ તબક્કા માટે આવતીકાલ તા.૫ને શનિવારથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે અને એક અઠવાડીયા સુધી શરૂ રહેશે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી અને ફોર્મ ભરવાની કામગીરી સહિતમાં વ્યસ્ત રહેશે અને એક અઠવાડીયામાં દરેક રાજકીય પક્ષોમાં ટીકીટ ન મળવાના કારણે અનેક લોકો નારાજ થશે અને બળવાઓ પણ થશે. રાજકીય પક્ષોમાં બળવો કરનારને મનામણા અને લાલચો પણ આપવામાં આવશે ત્યારે કહી શકાય કે આગામી સપ્તાહ રાજકીય ખરાખરીના ખેલનું રહવા પામશે.