ભાવનગર શહેરની પૂર્વ અને પશ્ચિમ બંને બેઠક પર ‘નો રિપીટ’ થિયરી અપનાવવા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં માંગ હતી જેમાં પૂર્વ બેઠક પરથી વિભાવરીબેન દવેની બાદબાકી કરીને કાર્યકરોની લાગણીને માન અપાયું છે, તો પશ્ચિમમાં ચોક્કસ કાર્યકરો અને આગેવાનોની લાગણીને ધ્યાને લેવાઈ નથી. જોકે, પશ્ચિમ બેઠક પર ‘નો રિપીટ’ થિયરીની માંગણી કરતા જીતુભાઈ વાઘાણીનો વિરોધ વધુ હતો તેમ કહી શકાય. ચોક્કસ આગેવાનોના બનેલા અને સુપર થર્ટી તરીકે ઓળખાતા એક જૂથે જીતુભાઈનો સરેઆમ વિરોધ કરી તેને ટિકિટ નહીં આપવા લાંબા સમયથી માંગ કરી અને પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યા હતા. જોકે, ભાવનગર પશ્ચિમની બેઠક પરથી ભાજપે જીતુભાઈ વાઘાણીને વધુ એક વખત ટિકિટ આપી છે, આથી કહી શકાય કે ચૂંટણી પૂર્વનો જંગ જીતુભાઈ જીતી ગયા છે. હવે ચૂંટણીના મેદાનમાં તેમણે જીતી બતાવવું પડશે.


જીતુભાઈને ટિકિટ આપવાનો વિરોધ કરી રહેલા સુપર થર્ટી ગ્રુપના સભ્યો હવે ચૂંટણીમાં કેવું વલણ અપનાવે છે તે પણ ખાસ મુદ્દો રહેશે. એક સમયે ભાવનગર પશ્ચિમની બેઠક પરથી હટાવીને જીતુભાઈને ગારીયાધારની બેઠક લડાવાની ચર્ચાઓ પણ સારી એવી ચાલી હતી પરંતુ આજે ભાજપે પશ્ચિમ બેઠક પર જીતુભાઈને ટિકિટ ફાળવતા એ વાત પર પણ પૂર્ણવિરામ મુકાયો છે. જીતુભાઇને ટિકિટ મળતા જ તેમના કાર્યાલયે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરાયો હતો.