ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારની બેઠક માટે ભાજપે આજે વધુ વખત જીતુભાઈ વાઘાણીની પસંદગી કરી છે, જીતુભાઈના નામની જાહેરાત થતા જ અભિનંદનનો વરસાદ વરસ્યો હતો. પૂર્વ ધારણાં મુજબ જ જીતુભાઈનું નામ ફાઈનલ થતાં કાર્યકર્તાઓ પણ જાેશમાં આવી ગયા હતા.
ભાવ. પશ્ચિમની બેઠક પર જીતુભાઇ ઉમેદવારીને ઠેરઠેરથી આવકાર મળી રહ્યો છે. તેમના નામની જાહેરાત થવા સાથે સમાજના જુદા જુદા વર્ગ તરફથી અભિનંદન વરસ્યા હતા. સમર્થકો, કાર્યકર્તાઓ ઉપરાંત વેપારી મહાજને પણ જીતુભાઇની પસંદગીને વધાવી હતી. લીલા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન કોમલકાંત શર્મા સહિતના ઉધોગપતિઓએ જીતુભાઇની પસંદગીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ, બાદમાં કેબિનેટ શી મંત્રી, ભાજપના પ્રવકતા મંત્રી વિગેરે મળેલી જવાબદારી જીતુભાઇની કર્તવ્યનિષ્ઠા અને રાજકીય ઊંચાઈ સાબીત કરે છે ત્યારે આગામી ચૂંટણીમાં ઝળહળતી જીત મેળવી નવી મોટી જવાબદારી જીતુભાઈ નિભાવશે તેવો વિશ્વાસ વ્યક્ત થઈ રહ્યો છે.
ભાવનગર શહેરની પૂર્વ અને પશ્ચિમ બંને બેઠક પર ‘નો રિપીટ’ થિયરી અપનાવવા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં માંગ હતી. જાેકે, પશ્ચિમ બેઠક પર ‘નો રિપીટ’ થિયરીની માંગણી કરતા જીતુભાઈ વાઘાણીનો વિરોધ વધુ હતો તેમ કહી શકાય. ચોક્કસ આગેવાનોના બનેલા અને સુપર થર્ટી તરીકે ઓળખાતા એક જૂથે જીતુભાઈનો સરેઆમ વિરોધ કરી તેને ટિકિટ નહીં આપવા લાંબા સમયથી માંગ કરી અને પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યા હતા. જાેકે, ભાવનગર પશ્ચિમની બેઠક પરથી ભાજપે જીતુભાઈ વાઘાણીને વધુ એક વખત ટિકિટ આપી છે, આથી કહી શકાય કે ચૂંટણી પૂર્વનો જંગ જીતુભાઈ જીતી ગયા છે. હવે ચૂંટણીના મેદાનમાં તેમણે જીતી બતાવવું પડશે. જીતુભાઈને ટિકિટ આપવાનો વિરોધ કરી રહેલા સુપર થર્ટી ગ્રુપના સભ્યો હવે ચૂંટણીમાં કેવું વલણ અપનાવે છે તે પણ ખાસ મુદ્દો રહેશે. એક સમયે ભાવનગર પશ્ચિમની બેઠક પરથી હટાવીને જીતુભાઈને ગારીયાધારની બેઠક લડાવાની ચર્ચાઓ પણ સારી એવી ચાલી હતી પરંતુ આજે ભાજપે પશ્ચિમ બેઠક પર જીતુભાઈને ટિકિટ ફાળવતા એ વાત પર પણ પૂર્ણવિરામ મુકાયો છે. જીતુભાઇને ટિકિટ મળતા જ તેમના કાર્યાલયે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરાયો હતો.