વિધાનસભાની ચૂંટણીના પગલે ગત તા. પ નવેમ્બરે જાહેરનામુ બહાર પડયુ હતુ અને ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ગયો છે. ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠક માટે ગુરૂવારે ૧૦ ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જેમાં મહુવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ કળસરીયા સહિત બે ઉમેદવારે ફોર્મ ભર્યા છે, ગારિયાધારમાં આપ, બીએસપી સહિતના ૩ ઉમેદવાર, પાલિતાણા બેઠકમાં વીપીપી, બીએસપી સહિત ર, ભાવનગર ગ્રામ્ય બેઠકમાં બીએસપીના ૧, ભાવનગર પશ્ચિમમાં અપક્ષ-૧ અને ભાવનગર પૂર્વમાં બીએસપીમાં ૧ ઉમેદવારે ફોર્મ ભર્યુ હોવાનુ જાણવા મળેલ છે.
ભાવનગર જિલ્લાની વિવિધ બેઠકો ઉપર આજથી ઉમેદવારી પત્રો ભરવાની ઝડપ વધશે ભાજપ તથા કોગ્રેસ દ્વારા ઉમેદવારના નામો જાહેર કરી દેવાતા જાહેર થયેલા તમામ ઉમેદવારો અને તેમના ટેકેદારો દ્વારા ફોર્મ તૈયાર કરવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાદેશિક પક્ષો ઉપરાંત અપેક્ષો પણ ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં ૮૯ બેઠક માટે મતદાન આગામી તા.૧ ડિસેમ્બર ર૦રરના રોજ રાખવામાં આવેલ છે, જેમાં ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવેલ છે, જયારે બીજા તબક્કામાં ૯૩ બેઠક માટે મતદાન આગામી તા.પ ડિસેમ્બરે યોજાશે, જેમાં અમદાવાદ સહિતના જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાતની ૧૮ર બેઠક પર બે તબક્કામાં મતદાન યોજાશે અને આગામી તા.૮ ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા અને બોટાદ જિલ્લાની ર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. આગામી તા.૧૪ નવેમ્બર સુધી ઉમેદવારી પત્ર સ્વિકારવામાં આવશે. આગામી તા.૧પ નવેમ્બરે ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતીમ તા.૧૭ નવેમ્બર છેે તેથી આ દિવસે ઉમેદવારનુ ચિત્ર સ્પષ્ટ થશે. આગામી તા. ૧ ડિસેમ્બરને ગુરૃવારે મતદાન થશે અને આગામી તા. ૮ ડિસેમ્બરને ગુરૃવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. આગામી તા. ૧૦ ડિસેમ્બરે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. વિધાનસભામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ચૂંટણી લડશે તેમ જણાય રહ્યુ છે.
ગુરૂવારે વધુ ૭૮ ફોર્મનો ઉપાડ, ૭ બેઠક માટે કુલ ૨૯૩ ફોર્મ ઉપડ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાનો તા.૫ને શનિવારે ફોર્મ વિતરણ કરવાનો પ્રારંભ થતાની સાથે શનિવારે પ્રથમ દિવસે ૩૪ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હતો અને સોમવારે ૬પ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે, મંગળવારે વધુ પ૯ ઉમેદવારી ફોર્મ ઉપડયા છે અને બુધવારે પ૭ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હતો, ગઈકાલે ગુરૂવારે વધુ ૭૮ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે, જેમાં મહુવા વિધાનસભામાં ૮, તળાજામાં ૬, ગારિયાધારમાં ૧૩, પાલિતાણામાં ૪, ભાવનગર ગ્રામ્યમાં ૩, ભાવનગર પૂર્વમાં ર૧ અને ભાવનગર પશ્ચિમમાં ર૩ ફોર્મ ઉપડયા હોવાનુ જાણવા મળેલ છે. પાંચ દિવસમાં ર૯૩ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે.