ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતી અને શિવાજીસર્કલ પાસે આવેલ પરિવાર જનરલ હોસ્પિટલમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી યુવતી પર એક વર્ષ પૂર્વે સંદિપ ઉર્ફે સેન્ડી ધરમશી દાઠીયા નામના શખ્સે તેના બે મિત્રો સાથે મળી યુવતીને જબરજસ્તી પ્રેમ કરવાનું કહેતા યુવતીએ ના પાડતા છરી વડે હુમલો કરી નાસી છુટેલ. આ બનાવ અંગેનો કેસ આજે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રીક્ટ જજ પીરઝાદાએ આરોપી સંદિપ ઉર્ફે સેન્ડીને કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે મદદગારી કરનાર બે શખ્સોને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતાં.
બનાવ અંગેની વિગતો મુજબ શહેરના ભરતનગર વિસ્તારમાં તખ્તેશ્વર હાઇટ્સમાં રહેતી અને શિવાજીસર્કલ પાસે આવેલ પરિવાર જનરલ હોસ્પિટલમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી કંચનબેન કિશનભાઇ દેવાણી (ઉ.વ.૨૫) તા.૯-૧૧-૨૦૨૧ના રોજ બપોરના સમયે તેના ઘરેથી હોસ્પિટલ જતી હતી ત્યારે સંદિપ ઉર્ફે સેન્ડી ધરમશીભાઇ દાઠીયાએ રસ્તામાં તેણીને રોકી જબરજસ્તી પ્રેમ કરવા કહેલ તેણે ના પાડતા તેના બે મિત્રો સાથે મળી ઉશ્કેરાઇ જઇ ગાળો આપી મારી નાખવાના ઇરાદે કંચનબેનને પેટમાં તથા હાથે પાંચેક જેટલા છરીના ઘા મારી લોહીલુહાણ હાલતે છોડી મુકી નાસી છુટ્યા હતાં. આ બનાવ અંગેની ભરતનગર પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવાયેલ.
આ અંગેનો કેસ આજે ભાવનગરની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મિતેશભાઇ મહેતાની દલીલો અને આધાર-પુરાવા તેમજ વીથ પ્રોસીક્યુશન હિરેન જાની અને સીમાબેન કેસરીની દલીલો ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ પીરઝાદાએ સંદિપ ઉર્ફે સેન્ડી દાઠીયાને કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સજા ફટકારી હતી. જ્યારે અન્ય બે શખ્સોને નિર્દોષ છોડી મુકાયા હતાં.