આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતની સારોલી પોલીસે બે ઇસમોને 1,16,99,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ નિયોલ ચેકપોસ્ટ ખાતે જ્યારે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે કડોદરા રોડ પરથી સુરત તરફ રસ્તા પર ચાલતા જતા બે ઈસમો પર પોલીસને શંકા જણાઈ હતી. આ બંને ઈસમો પાસે 4 કોલેજીયન બેગ હતી. પોલીસે શંકાના આધારે આ બંને ઇસમોની તપાસ કરી હતી. આ ઉપરાંત નજીકમાંથી બે પંચોને હાજર પણ રાખ્યા હતા.
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ બંને ઈસમો પાસે 63,88,700 રોકડા અને 15 સોનાના બિસ્કીટ હતા. જેની કિંમત 52,50,000 થવા પામે છે. આ ઉપરાંત આ બંને ઈસમો પાસેથી 25000 રૂપિયાના 2 લેપટોપ અને 36 હજાર રૂપિયાની કિંમતના 4 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. પોલીસે આ બંને ઇસમોને 1,16,99,700 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પોલીસે પકડેલા બંને ઈસમોનું નામ સુધીર સેંગર અને રજનેશ વાર્ડ હોવાનો સામે આવ્યું છે. સુધીરની ઉંમર 40 વર્ષની છે અને તે મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો વતની છે. તો રજનેશની ઉંમર 44 છે અને તે પણ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ગોપાલગંજનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ તો બંને ઇસમોની ધરપકડ કરી તેઓ આટલી મોટી માત્રામાં રોકડ રકમ અને સોનાના બિસ્કીટ ક્યાંથી લાવ્યા હતા તે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.