ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ છે ત્યારે પાર્ટીઓ હાલ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઇ છે. પ્રચાર અર્થે દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પણ નામ છે. તેઓ કડીમાં ભાજપના કાર્યાલયનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ‘જીવું ત્યાં સુધી ભાજપમાં રહીશ’ તેવું નિવેદન આપ્યું હતું.
કડીના કમળ સર્કલ પાસે વિધાનસભા બેઠકના મુખ્ય કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા અને કડી મારો જમણો અને ડાબો હાથ છે હું જીવું છું ત્યાં સુધી ભાજપમાં જ રહીશ અને ભાજપમાં જ કામ કરતો રહીશ.નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, મંત્રી હતો એટલે વધારે સમય આપી શકતો નહોતો પરંતુ હવે તો મારા જોડે ઘણો સમય છે કડી, મહેસાણા જ નહીં પરંતુ ગુજરાતના ખેડૂતો તેમજ જરૂરિયાત મંદોને જ્યારે પણ જરૂર પડે ત્યારે હું તેમને મદદ કરવા તૈયાર છું.