ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૧ ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં ભાવનગર જિલ્લાની ૭ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસ-આપ સહિત પક્ષ ઉપરાંત અપક્ષ ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ભારે ધસારો રહ્યો હતો અને આજે અંતિમ દિવસે તમામ ઉમેદવારોએ પોતાના ટેકેદારોને સાથે રાખી ઉમેદવારી ફોર્મ ભરી દીધા હતાં. આ સમયે કલેક્ટર કચેરી, કોર્પોરેશન તેમજ જિલ્લા પંચાયત અને મામલતદાર કચેરીએ મેળા જેવો માહોલ જામ્યો હતો.
૧ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ભાવનગર પૂર્વ બેઠક માટે ભાજપના ઉમેદવાર સેજલબેન પંડ્યાએ તેમજ પશ્ચિમ બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઇ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતાં. તે પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારો અને આગેવાનો એકઠા થયા હતા અને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. આ સમયે વર્તમાન શિક્ષણમંત્રી અને પશ્ચિમના ઉમેદવાર જીતુભાઇ વાઘાણી ઉપરાંત ભાજપ પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો અને વિવિધ પાંખના હોદ્દેદારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જાેડાયા હતાં. આ ઉપરાંત ભાવનગર પશ્ચિમ બેઠકમાંથી કોંગ્રેસ પક્ષ તરફથી કે.કે. ગોહિલે પોતાના વિશાળ ટેકેદારોને સાથે રાખી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ પૂર્વે તેમણે નિર્મળનગર ખાતે જાહેર સભા પણ યોજી હતી. જ્યારે પૂર્વ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર બળદેવ સોલંકી તેમજ ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ સહિતે ઉમેદવારી ફોર્મ ભર્યાં હતાં.
ભાવનગર પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકીએ પણ વિશાળ સરઘસ સાથે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે પૂર્વ બેઠક પર બસપાના કિશોરસિંહ ગોહિલ તેમજ વ્યવસ્થાપન પરિવર્તન પાર્ટીમાંથી ધરમશી ધાપાએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતાં. જ્યારે ભાવનગર પૂર્વ બેઠક પરથી સીપીએમના ઉમેદવાર તરીકે અરૂણ મહેતાએ અને પશ્ચિમના ઉમેદવાર તરીકે મનહર રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યાં હતાં તે પૂર્વે તેઓએ ઘોઘાગેટ ચોક ખાતે ભગતસિંહને વંદના કરી ઢોલ-નગારા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. રાજકીય પક્ષો ઉપરાંત અનેક અપક્ષ ઉમેદવારોએ પણ આજે અંતિમ દિવસે વિવિધ બેઠકો ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે ભરાયેલ ઉમેદવાર પત્રની આવતીકાલે ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તા.૧૬ના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે અને તા.૧૭ના રોજ તમામ બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
શહેર ભાજપના કાર્યકારી અધ્યક્ષ નિમાતા ડી.બી. ચુડાસમા
ભાવનગર શહેર ભાજપ સંગઠનના કાર્યકારી પ્રમુખ તરીકે આજે મહામંત્રી ડી.બી. ચુડાસમાને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી પૂર્ણ થયા સુધી તેઓ પ્રમુખપદની જવાબદારી પણ નિભાવશે. શહેર ભાજપ અધ્યક્ષ રાજીવભાઇ પંડ્યાના પત્ની સેજલબેન પંડ્યાને ભાવનગર પૂર્વમાંથી ભાજપે ઉમેદવાર બનાવતા રાજીવભાઇનો કાર્યભાર અને તેમના પત્નીની ઉમેદવારીને ધ્યાને લઇ પ્રદેશ સંગઠન દ્વારા શહેર ભાજપ પ્રમુખના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડી.બી. ચુડાસમાને નિમવામાં આવ્યા છે. એક તબક્કે મહામંત્રી યોગેશ બદાણીને મહામંત્રી પદે નિમવામાં આવે તેવી અટકળો અને સંભાવના હતી પરંતુ આજે ભાજપ સંગઠને સત્તાવાર રીતે કાર્યકારી અધ્યક્ષ પદે ડી.બી. ચુડાસમાને નિમ્યા છે. તેઓ વિધાનસભા ચૂંટણી સુધી મહામંત્રી ઉપરાંત શહેર અધ્યક્ષનો કાર્યભાર પણ વહન કરશે તેમ જાણવા મળ્યું છે.