ભાવનગર એલ.સી.બી.એ વરતેજ તાબેના નવાગામ (ચિરોડા)ની સીમમાં ઈંગ્લીશ દારૂનું મોટું કટીંગ ઝડપી લઈ ૩૩૮ પેટી ઈંગ્લીશ દારૂ,વાહનો મળી કુલ રૂ.૩૧.૧૫ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા,જ્યારે અન્ય છ શખ્સ પોલીસને જાેઈને ફરાર થઈ ગયા હતા.ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો વરતેજના બે શખ્સે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું.
ભાવનગર એલ.સી.બી.સ્ટાફ ગત રાત્રીના સમયે વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગર – રાજકોટ રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વરતેજના દરબારગઢમાં રહેતો દિગ્પાલસિંહ ઉર્ફે કુમાર મદારસિંહ ગોહિલ અને વરતેજના ઘાંચીવાડમાં રહેતા અલ્તાફ ઐયુબભાઈ ખાલીફાએ મંગાવેલા ઈંગ્લીશ દારૂના મોટા જથ્થાનું નવાગામ ( ચિરોડા ) ની સીમમાં કટીંગ થઈ રહ્યું છે.આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેકટર પી.બી.જાદવ, પો.સ.ઇ.પી.બી.જેબલિયા,તથા સ્ટાફે નવગામની સીમમાં આવેલ બોરડી અને બાવળની આડશની ખુલ્લી જગ્યામાં દરોડો પાડતા દારૂનું કટીંગ કરતા રિયાઝ સલીમભાઈ માડવીયા અને શરદ પાંચાભાઈ ખાખડીયા મળી આવ્યા હતા જ્યારે છ જેટલા ઈસમો પોલીસને જાેઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસે તપાસ કરતા આઈશર નં. જી.જે.૦૭ વાય.ઝેડ ૯૬૭૭ અને બોલેરો પીકઅપ નં. જી.જે.૦૪ એ.ડબલ્યુ ૫૮૬૬ માંથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો મળી આવતા પોલીસે આઈશર,બોલેરો પીકઅપ તેમજ સ્કૂટરને વરતેજ પોલીસ મથકમાં લાવી તપાસ કરતા બન્ને વાહનોમાંથી ૩૩૮ પેટી ઈંગ્લીશ દારૂ કિં. રૂ.૧૫,૭૬,૫૦૦ મળી આવી હતી.
એલ.સી.બી.એ ઈંગ્લીશ દારૂનો જથ્થો,ત્રણ વાહનો,મોબાઈલ મળી કુલ રૂ.૩૧,૧૧,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી વરતેજ પોલીસ મથકમાં દારૂનો જથ્થો મંગાવનાર વરતેજના દિગ્પાલસિંહ ગોહિલ, અલ્તાફ ખલીફા, ઝડપાયેલા બે ઈસમો તેમજ ફરાર થઈ ગયેલા ઈસમો મળી કુલ ૧૦ ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.