ભાવનગર શહેરમાં સરિતા સોસાયટી ખાતે પંડ્યા ડેરી ફાર્મના ગોડાઉનમાં ડુપ્લીકેટ ઘીનો મોટો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડો કર્યો હતો અને મ્યુ. ફૂડ વિભાગને જાણ કરતા ફૂડ વિભાગ દોડી ગયો હતો, હાલ સ્થળ પરથી ઘીના બે તેમજ મલાઈના બે મળી ફૂલ ચાર સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે જ્યારે ઘી અને મલાઈનો જથ્થો સીઝ કર્યો છે


શહેરમાં પંડ્યા ડેરી ફાર્મ નામની દુકાનના સરિતા સોસાયટી શેરી નંબર 11 માં હાર્દિક પ્રાણશંકર પંડ્યાના ગોડાઉનમાં નકલી ઘી હોવાની બાતમીના આધારે ભાવનગર એસઓજી પોલીસના પીઆઇ ભરવાડ સહિતના સ્ટાફે રેડ પાડી હતી અને મ્યુ.ફૂડ વિભાગને જાણ કરી બોલાવી મામલો સોંપ્યો હતો. ફૂડ વિભાગની તપાસમાં લુઝ ઘીના કેન તથા 6 ડબ્બા મળી આવેલ. વેપારી દ્વારા કેન અને ડબ્બા લાવી તેમજ ડેરીમાંથી મલાઈ લાવી તાવીને ઘી બનાવી તેનું વેચાણ થતું હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલ. ઘી તેમજ મલાઈ શંકાસ્પદ જણાતા ફૂડ વિભાગે બંનેના બે બે સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.