ભાવનગરના કાળિયાબીડ, ગોકુલધામ સોસાયટીમાં આવેલ એક રહેણાંકી મકાનમાં વિસ્ફોટક પદાર્થનો જથ્થો ભરેલું બોક્સ પડ્યુ હોવાની બાતમીના આધારે પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ કરતા આ જથ્થો વેસ્ટ દારૂખાનાનો હોવાનું ખુલતા પોલીસે રાહત અનુભવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના કાળિયાબીડ, ગોકુલધામ સોસાયટીમાં આવેલ દીપકભાઈ ભીમાભાઇના મકાનમાં કોઈ વિસ્ફોટક સામગ્રી ભરેલું બોક્સ પડ્યું હોવાનો ફોન આવતા ડી.વાય.એસ.પી. ડી.ડી.ચૌધરી, એલ.સી.બી., એસ.ઓ.જી સહિતનો પોલીસ કાફલો કાળીયાબીડ દોડી ગયો હતો અને તપાસ કરતા દીપકભાઈના મકાનમાંથી મળી આવેલ પૂંઠાના બોક્સમાં ફોડેલા ફટાકડા અને દારૂખાનામાં વેસ્ટ જથ્થો મળી આવતા પોલીસે રાહત અનુભવી હતી.પોલીસે દારૂખાનું ભરેલા બોક્સને કબજે કરી તેના નિકાલની કાર્યવાહી હાથ ધરી હતી.